નડિયાદ : ખેડા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ વિભાગ અવનવા કૌભાંડ માટે ભારે બદનામ થઈ ગયું છે. ખેડા જિલ્લામાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એન.બામણીયા દ્વારા વર્ષ ૨૦૦૮માં અધધ શિક્ષકોની બોગસ ભરતી કૌભાંડ કર્યા બાદ વર્ષ ૨૦૦૯ની ભરતીમાં પણ ૪ અપંગ ઉમેદવારોને બદલે ૧૦ ઉમેદવારોને નોકરી આપી દીધી હતી. આ મામલે તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ, અપંગતાના પ્રમાણપત્રો બોગસ હોવાનું ધ્યાને આવતાં ૧૪થી વધુ શિક્ષકોને છૂટાં કરવાનો આદેશ કરાયો હતો. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ મામલો કોર્ટમાં ગયાં બાદ મેડિકલ બોર્ડમાં ચકાસણી કરવાના આદેશ શિક્ષણ વિભાગે કર્યા હતા, જેમાં ખેડા જિલ્લામાં શિક્ષણ વિભાગમાં અગાઉ ફરજ બજાવતાં એક અધિકારીની શિક્ષિકા પુત્રીને બચાવવાના પ્રયાસો થયાં હતા. જાેકે, તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા બોગસ ભરતી કરનારા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.બામણીયા વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરતાં હાલના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસને ફરિયાદ આપી છે.  

જાેકે આ મામલામાં વધારાના ઉમેદવારોની ભરતીની સાથે સાથે બોગસ મેડિકલ પ્રમાણપત્રો લાવનાર ઉમેદવારો સામે પણ ગુનો નોંધવામાં ઇરાદાપૂર્વકની ઢીલ દાખવીને અધિકારીની પુત્રી સહિતના બોગસ શિક્ષકોને બચાવી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે. નિવૃત્ત થયાં બાદ અધિકારી સામે ફરિયાદ દાખલ કરીને શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરી હોવાનું સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યો છે. બોગસ પ્રમાણપત્રો લાવીને નોકરી કરી રહેલાં શિક્ષકો સામે ગુનો નોંધવામાં અને તેમને તાત્કાલિક છૂટા કરવામાં ઇરાદાપૂર્વકની ચૂક કરવામાં આવી રહી હોવાની વાતો સમગ્ર જિલ્લામાં થઈ રહી છે.

ગુજરાત સરકારમાં બોગસ પ્રમાણપત્રો આપનાર ઉમેદવારો સામે કોઈ કાર્યવાહી નહીં!

હાલમાં તત્કાલીન પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.બામણીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જાેકે, અંદરખાનેથી જાણવા મળ્યાં મુજબ વિકલાંગના બોગસ પ્રમાણપત્રો રજૂ કરીને નોકરીએ લાગી જનારા શિક્ષકો સામે ગુનો દાખલ નહિ કરીને લોલમલોલ ચલાવવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઊઠી રહી છે. વધારાના ભરતી થયેલાં મામલા ઉપરાંત બોગસ પ્રમાણપત્રોનો મામલો દબાવી દેવાનો પ્રયાસ થઇ રહ્યો હોવાનું જાેવા મળે છે.