અંબાજી, વડગામ : વરસાદની આગાહીને પગલે બનાસકાંઠાના ખેડુતોએ તકેદારી રાખવા સુચના અપાઇ હતી. બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલે જણાવ્યું છે કે, હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આજે તા. ૧૦/૧૨/૨૦૨૦ અને આવતીકાલ તા.૧૧/૧૨/૨૦૨૦ના રોજ ગુજરાતમાં કેટલાંક વિસ્તારમાં વરસાદની આગાહી થયેલ છે. જે પરિસ્થિતિને જાેતા આવા સમયે બનાસકાંઠા જિલામાં પણ ખેડુતોનો પાક અને જાન-માલના રક્ષણ માટે ઉચિત પગલા લેવા તથા નીચે મુજબના તકેદારીના પગલા લેવા સંબધિત ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. શક્ય હોય ત્યા ખરીફ સીઝનમાં લાંબાગાળાના ઉભા પાકમાં પિયત આપવાનું ટાળવુ. જેથી વધારે ભેજવાળુ હવામાન ટાળી શકાય અને સંભવિત રોગ/જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય તેમજ રાસાયણિક ખાતર યુરીયાનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાંની નીચે જતુ અટકાવવું, તેમજ કપાસના પાકમાં તૈયાર થયેલ જીંડવા તાત્કાલીક વિણાવી લેવા, પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફળોની સમયસર વીણી કરીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી, આ સિવાય એ.પી.એમ.સી. માં રહેલ જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા તમામ વેપારી મિત્રોને પણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.