વડોદરા : રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજારના કૌભાંડને પીસીબીએ બે જણાને ઝડપી પાડયા બાદ વધુ બે આરોપીઓને પણ ઝડપી પાડયા છે. જેથી આ પ્રકરણમાં હવે ચાર લોકો અત્યાર સુધી પકડાઈ ચૂકયા છે. રવિવારે ઝડપાયેલા તબીબની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે, જેના પગલે આ કૌભાંડના તાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પહોંચે એવી શક્યતા, ઉપરાંત અન્ય કલમોનો પણ ઉમેરો કરાશે એમ પીસીબીના પીઆઈ જે.જે.પટેલે જણાવ્યું છે.

કોરોના મહામારીના સંક્રમણથી અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે જીવનરક્ષક મનાતા એવા રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજારનું કૌભાંડ પીસીબીએ ઝડપી પાડયું હતું. ડોક્‌ટર સહિત મેલનર્સને રવિવારે ઝડપી પાડયા બાદ પોલીસે આજે વધુ બે આરોપીઓની અટકાયત કરી હતી. ડોકટરની કબૂલાતના આધારે ઝડપાયેલા બંને જણા પાણીગેટ બહાર આવેલી હોસ્પિટલમાં કામ કરે છે. કૃણાલ પટેલ અને જિગા ઉર્ફે જિજ્ઞેશ પટેલ દર્દીઓના નકલી રેકોર્ડ ઊભા કરી પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરી રેમડેસિવિર ઈન્જેકશનોની હેરાફેરી કરતાં હોવાનું પીસીબીની તપાસમાં બહાર આવ્યું છે. પીસીબીની ટીમે જાતે કોરોનાગ્રસ્ત દર્દીના સગાં બની આરોપી ડોકટર તેમજ મેલનર્સને રેમડેસિવિર ઈન્જેકશનના કાળાબજાર કરતા ઝડપી પાડયા હતા.

પીસીબી પીઆઈ પટેલના જણાવ્યા મુજબ ડો.ધીરેન નાગોરા, રાહુલ વાળંદ, કૃણાલ પટેલ, જિજ્ઞેશ પટેલે મળી છેલ્લા એક મહિનામાં ૧૦૦ ઉપરાંત ઈન્જેકશનોની હેરાફેરી કરી ચૂકયા છે અને કૃણાલ પટેલને ૧૨ જેટલા ઈન્જેકશનો ડો. મિતેષ ઠક્કરે આપ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે હવે મિતેષ ઠક્કરની પણ અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવશે. કારણ કે, અવંતિકા ફાર્માના માત્ર એક્સપર્ટ માટેના ઈન્જેકશનો આ લોકો પાસેથી મળી આવ્યા હતા. આજે ઝડપાયેલા જિજ્ઞેશ પટેલ પણ હોસ્પિટલમાં કામ કરે છે, એના પિતાને કોરોના પોઝિટિવ આવતાં ભેજાબાજ જિજ્ઞેશે દવાખાનામાંથી જૂના રિપોર્ટના આધારે મેડિકલ સ્ટોરમાંથી ૧૦ ઈન્જેકશનો મેળવી ૬ પોતાના ઘરે ફ્રીજમાં મુકી રાખ્યા હતા અને વધેલા ચાર વેચવા માટે ડોકટરને આપ્યા હોવાની કબૂલાત કરી છે.

આમ શરૂઆતમાં માત્ર સ્થાનિક અને નાનું લાગતું આ કૌભાંડ તપાસ દરમિયાન મસમોટું થતું જાય છે અને હવે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચશે એમ લાગી રહ્યું છે. બીજી તરફ દેશમાં ઈન્જેકશનો વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં અવંતિકા ફાર્મા કંપની ઉત્પાદિત રેમડેસિવિર ઈન્જેકશનો આ લોકો પાસેથી મળી આવ્યા હોવાથી હજુ વધારે કલમોનો ઉમેરો કરવો પડશે એમ પીસીબીના પીઆઈ પટેલે ઉમેર્યું હતું.

એક્સપર્ટ માટેના ઈન્જેકશનો ડો. ઠક્કરે આપ્યા હોવાનું બહાર આવ્યું

વડોદરા. રેમડેસિવિરના કાળાબજાર કરનારા મેડિકલ માફિયાઓ માત્ર એક્સપર્ટ કરવા માટે નિર્મિત રેમડેસિવિર ઈન્જેકશન પણ વેચતા હોવાનું બહાર આવતાં તપાસ અધિકારીઓ ચોંકી ઊઠયા છે. આ અંગે પોલીસ કમિશનર ડો. સમશેરસિંગને જાણ કરાતાં પોલીસ કમિશનરે આ કૌભાંડમાં તપાસને વધુ તેજ બનાવી કોઈપણ ચમરબંધીને નહીં છોડવાની સૂચના આપી છે. પરિણામે વેદાંતા હોસ્પિટલના ડો. મિતેષ ઠક્કર પાસેથી ૧૨ ઈન્જેકશનો મેળવ્યા હોવાની માહિતીના આધારે ડો. ઠક્કરની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આરોપીઓના કોલ ડિટેઈલ અને બેન્ક એકાઉન્ટોની પીસીબી તપાસ કરશે

વડોદરા. મેડિકલ માફિયાઓ માત્ર રેમડેસિવિર જ નહીં, પરંતુ ટોસલિઝુમેબ નામના મોંઘા ઈન્જેકશનો પણ કાળાબજાર કરતા હતા. પીસીબીએ ઝડપેલા કૃણાલ પટેલ અને ડો. ધીરેન નાગોરાની તપાસમાં બે દિવસ અગાઉ વાસદ ટોલનાકા ઉપર ડો. ધીરેને જઈ ૩૦ હજારમાં ટોસલિઝુમેબ ઈન્જેકશન વડોદરા લાવી ૪૩ હજારમાં વેચ્યા હોવાનું બહાર આવ્યું છે. પીસીબીએ ઝડપેલા આ તમામ આરોપીઓના મોબાઈલ નંબરોના કોલ ડિટેઈલ અને બેન્ક એકાઉન્ટના નંબરો મેળવી કોની કોની સાથે આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે એની તપાસ કરશે.