રાજકોટ-

રાજકોટ પોલીસે આંતરરાજ્ય લકઝરી કાર ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગુજરાત બહારના રાજ્યોમાંથી મોંઘી લકઝરી કાર ચોરીને નાના શહેરોમાં વેંચવા જતા પોલીસે ગેરેજ સંચાલકને ઝડપી મોંઘી ૩ કાર કબ્જે કરી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ પોલીસે ચોરી કરેલી ત્રણ મોંઘી લકઝરી કાર ઝડપી પાડીને પોતાના કબજામાં લીધી હતી. ત્રણે કારનું પાસિંગ ગુજરાત બહારનું હતું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લોધિકાના ગેરેજ સંચાલક દ્વારા દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પાસિંગ ધરાવતી કાર સસ્તામાં વેંચવા કાઢી છે અને તે કાર ચોરીની હોવાની શંકા ગઈ હતી.

પોલીસે તપાસ કરતા લોધિકાના ગેરેજ સંચાલક રાહુલ પટેલ પાસે ટોયોટા એસયુવી, મહિન્દ્રા સ્કોર્પિઓ, મારુતિ બ્રેઝા મળી આવી હતી. જાેકે પુછપરછમાં ત્રણે ગાડીઓ રાજસ્થાનના એક શખશે આપી હોવાની અને ચોરીની હોવાનું ખુલતા પોલીસે આરોપીની ધરપકડ કરી ત્રણે ગાડીઓ કબ્જે લીધી છે.મોટા શહેરોમાંથી મોટરસાયકલ ચોરી નાના ગામડામાં વેંચવા કારનામા તો ઘણા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ હવે ગુજરાત બહારના રાજ્યોમાંથી મોંઘી એસયુવી લકઝરી કાર ચોરીને રાજકોટમાં વેંચવાનું કારસ્તાન પણ ખુલ્યું છે. લકઝરી ગાડીઓમાં ફરવાનો શોખ અને ડિમાન્ડ આવી ગાડીઓની ચોરીના બનાવોને અંજામ આપે છે. આખા કૌભાંડમાં હાલ તો પોલીસના સકંજામાં એક માત્ર ગેરેજ સંચાલક આવ્યો છે. હજુ પણ આ કારસ્તામાં અન્ય લોકોની સંડોવણી હોવાનું પોલીસને અનુમાન છે અને મૂળ ચોર સુધી પહોંચવા પોલીસે ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.