વડોદરા, તા.૮ 

છેલ્લાં છ મહિનાથી સ્કૂલો બંધ હોાવથી સ્કૂલ વર્ધી રિક્ષાચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. શહેરમાં પાંચ હજાર સ્કૂલ વર્ધીની રિક્ષાચાલકોને ટેક્સમાં માફી, ફિટનેસમાં રાહત તેમજ જ્યાં સુધી સ્કૂલો ચાલુ ન થાય ત્યાં સુધી આર્થિક સહાય આપવાની માગ વડોદરા રિક્ષાચાલક કોંગ્રેસ ઈન્ટુકે કરી છે.

આ સંદર્ભે જિલ્લા કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા પાંચ-છ માસથી લૉકડાઉન ચાલુ છે. શહેરની શાળાઓ ક્યારે ચાલુ થશે તેની કોઈ જાણકારી નથી.

આવા સંજાેગોમાં સ્કૂલ વર્ધી વાહનચાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. સ્કૂલ વર્ધી યુનિય્નના આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં વડોદરા શહેરના જાડી ચામડીના કોર્પોરેટરો, ધારાસભ્ય અને સંસદસભ્યએ શહેરના અસંગઠિત શ્રમજીવી સ્કૂલ વર્ધી માટેના વાહનચાલકો માટે કોઈપણ જાતની ચિંતા કરી નથી. સરકાર કો.ઓ.બેન્કમાંથી લોન આપવાનું એક જુઠાણું નાટક કરે છે. જ્યારે સ્કૂલ વર્ધીના વાહનચાલકો લોન લેવા જાય છે ત્યારે બેન્કોવાળા કહે છે કે જે બેન્કમાં સભ્ય હશે તેને જ લોન મળશે, આવી ખોટી જાહેરાતો આપીને લોકોને ગેરમાર્ગે દોરવાનો રસ્તો અપનાવ્યો છે. આમ, અમારી માગણી વહેલી તકે મંજૂર કરી સહાય આપવા માગ છે.