વડોદરા : ગોત્રીના હાઈપ્રોફાઈલ રેપકાંડમાં પાલિતાણાથી ઝડપાયેલા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈનની મેડિકલ તપાસ બાદ આજે બપોરે તેને કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેને અદાલતે અંશતઃ મંજુર કરી અશોક જૈનને ૯ દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો. રિમાન્ડ મળતા જ હવે ક્રાઈમ બ્રાન્ચે અશોક જૈન બળાત્કાર પિડિતાને પોતાના કેટલા ઈન્વેસ્ટરો પાસે ખુશ કરવા મોકલી હતી તે દિશામાં તપાસ કરતા આ બળાત્કાર કાંડમાં હજુ અન્ય મોટા માથાની સંડોવણી પણ સપાટી પર આવશે તેમ મનાય છે.

પોતાના ઓફિસમાં ફરજ બજાવતી ૨૪ વર્ષીય સ્વરૂપવાન યુવતી પર પોતે બળાત્કાર ગુજાર્યા બાદ જમીનની ડીલ કરવા માટે પોતાના ઈન્વેસ્ટર મિત્ર રાજુ ભટ્ટ સાથે પણ શરીરસંબંધ બાંધી તેને ખુશ કરી દેવા માટે મોકલી આપનાર ૬૯ વર્ષીય ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક આસ્કરણ જૈન (રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા) અને રાજુ ભટ્ટ વિરુધ્ધ યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં બળાત્કાર, સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય, હુમલો અને ધમકી સહિતના ગુનાની ફરિયાદ નોંધાવતા જ આ બંને આરોપી ફરાર થયા હતા. આ પૈકી રાજુ ભટ્ટ જુનાગઢથી ઝડપાયા બાદ ગઈ કાલે અશોક જૈનને પણ તીર્થસ્થળ પાલિતાણા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ગઈ કાલ બાદ આજે પણ અશોક જૈનને સવારે ગોત્રી મેડિકલ કોલેજમાં પોટેન્સ ટેસ્ટ માટે લઈ જવાયો હતો પરંતું ત્યાં પણ પોલીસને તેના સ્પર્મના નમુના મળી શક્યા નહોંતા.

આજે બપોર બાદ તેની ધરપકડના ૨૪ કલાક પુરા થતા હોઈ પોલીસે અશોક જૈનને આજે બપોરે અદાલતમાં રજુ કરી તેના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પોલીસે રિમાન્ડ અરજીમાં જણાવ્યું હતું કે યુવતી સી.એ.અશોક જૈનની ચકલી સર્કલ પાસે આવેલા એમ્સકો એન્ડ સન્સ કંપનીમાં લેન્ડ એન્ડ લાયઝનીંગની ટ્રેનીગ માટે નોકરીએ રાખી તેને દિવાળીપુરામાં ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો તેમજ એક માસ અગાઉ યુવતીને વાસણારોડ પર હેલીગ્રીન ખાતે ૭માં માળે પેન્ટહાઉસમાં લઈ જઈ યુવતીને કેફીપીણુ પીવડાવી બેભાન કરીને કપડા કાઢી છેડતી કરી હતી. ત્યારબાદ તેણે યુવતીમાં મારી મારી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેના ઈન્વેસ્ટર રાજુ ભટ્ટે પણ યુવતી પર બળાત્કાર ગુજારી તેને બળાત્કારની ઘટનાનું રેકોર્ડીંગ કર્યું છે તેવી ધમકી આપી હતી. યુવતીના ફ્લેટની એક ચાવી અશોક જૈન પાસે પણ હોઈ તેણે યુવતીની જાણ બહાર બેડરૂમમાં સ્પાય કેમેરો લગાવી યુવતીના નગ્ન ફોટા પાડી તે યુવતીના મિત્ર બુટલેગલ અલ્પુ સિંધીને મોકલી આપ્યા હતા. અશોક જૈને યુવતીના નગ્ન ફોટા જે મોબાઈલ ફોનમાં સેવ કરી તે વાયરલ કર્યા છે તે મોબાઈલ ફોન તેની પાસેથી કબજે લેવાનો છે.

અશોક જૈને તેની મર્સીડીઝ કારમાં યુવતીને પોતાના પેન્ટહાઉસમાં લઈ જઈ બળાત્કાર કરેલો જેથી તેણે કાર ક્યા પાર્ક કરેલી તેમજ મકાનમાં ક્યા બળાત્કાર કરેલો તેની તપાસ માટે તેને સાથે રાખી રીકન્ટ્રકશન-પંચનામુ કરાવવા માટે તેની હાજરી જરુરી છે. એટલું જ નહી પોલીસે રિમાન્ડ માટે સૈાથી મહત્વનો મુદ્દો પણ રજુ કરતા જણાવ્યું હતું કે તેણે યુવતીને સહારાની જમીનની ડીલીંગની જવાબદારી સોંપી હતી જેથી યુવતી ઉપરાંત અશોક જૈને પણ અલગ અલગ વ્યકિતઓ સાથે સહારાની ડીલ બાબતે મીટિંગ કરી હતી તો આ ડીલની ખરેખરમાં શું હકીકત છે અને આ ડીલમાં કોણ કોણ છે ? અશોક જૈન યુવતીને અવારનવાર પોતાના ઈન્વેસ્ટરોને ખુશ કરવા જણાવતો હતો તો આ ડીલમાં બીજા કોણ કોણ ઈન્વેસ્ટરો છે અને કોણ કોણ સંડાવાયેલા છે તે પુરાવા એકત્ર કરવા માટે અશોક જૈનની પોલીસ કસ્ટડીમાં હાજરી જરૂરી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપી અશોક જૈનને ૧૬મી તારીખના બપોર સુધી રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો.

ફ્લેટમાં સ્પાય કેમેરા અને મેમરી કાર્ડનું રહસ્ય હવે ઉકેલાશે

અશોક જૈને યુવતીને જે ફ્લેટ ભાડે અપાવેલો તેની એક ચાવી તેની પાસે પણ હતી અને તેથી જ તેણે યુવતી પર બળાત્કાર કરતા અગાઉ યુવતીને ભવિષ્યમાં બ્લેકમેલ કરવા માટે તેના રૂમમાં સ્પાય કેમેરા લગાડ્યા હોવાનું મનાય છે. આ કેમેરા ખરેખરમાં કોણે અને કોના મારફતે લગાવ્યા તેમજ તે ક્યાંથી ખરીદ કરવામાં આવેલા, બળાત્કારના ફોટા અશોક જૈને કેવી રીતે મેળવ્યા અને તે અલ્પુ સિંધી સિવાય અન્ય કેટલા લોકોને મોકલી વાયરલ કર્યા છે તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સ્પાય કેમેરાનું મેમરી કાર્ડ અશોક જૈન પાસે હોવાની પોલીસને શંકા હોઈ પોલીસે અશોક જૈનની સ્પાય કેમેરા તેમજ તેના મેમરી કાર્ડની પુછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ સ્પાય કેમેરાનું રહસ્ય તો ઉકેલાશે જ પરંતું જાે મેમરી કાર્ડ મળશે તો તેમાં કેદ અનેક મોટામાથાઓની પણ જાંઘ ઉઘાડી પડશે તેમ મનાય છે.

પાલિતાણા અગાઉ મુંબઈ અને ગોવામાં રોકાયેલો

અશોક જૈને પોતાની ધરપકડ ટાળવા માટે વડોદરાથી ભાગીને મુંબઈ, લોનાવાલાની હોટલમાં તેમજ ગોવામાં ગેસ્ટહાઉસમાં રોકાયો હતો અને ત્યારબાદ ત્યાંથી પાલિતાણા ખાતે હોટલમાં રોકાયેલા હોવાની વિગતો મળતા તેને અત્રેથી ભગાડવામાં કોણે કોણે મદદગારી કરી છે ? તે કયા વાહનમાં ભાગ્યો હતો ? આ ત્રણ શહેરો સિવાય તે અન્ય કયાં ક્યા રોકાયેલો હતો અને તેને કોણે આશ્રય આપ્યો હતો કે કેમ તેની તપાસ કરવાની હોઈ પોલીસ અશોક જૈનને હવે રિમાન્ડના સમયગાળા દરમિયાન તે જયાં જયાં રોકાયેલો તે સ્થળે લઈ જઈને પુરાવા એકત્ર કરશે.

અલ્પુને બપોર બાદ ડીસીબી કચેરીએ લવાયો

આ કેસમાં બળાત્કાર પિડિતા યુવતીને મદદ કરી સમગ્ર ફરિયાદમાં પડદા પાછળ રહીને ભેદી ભુમિકા ભજવનાર નામચીન બૂટલેગર અલ્પુ સિંધીને પણ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ગઈ કાલે હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડ્યા બાદ તેને આજે બપોરે ડીસીબી કચેરી લઈ આવી હતી. અલ્પુ સિંધીની બળાત્કારની ફરિયાદમાં આરોપી નથી પરંતું તે વારસિયા તેમજ જિલ્લાના વરણામા પોલીસ મથકના દારૂબંધીના બે ગુનામાં વોન્ટેડ છે જેથી તેને દારૂબંધીના ગુના હેઠળ પોલીસ મથકમાં સોંપવામાં આવશે. જાેકે આ બળાત્કાર પ્રકરણમાં અશોક જૈને તેને યુવતીના નગ્ન ફોટા મોકલી આપ્યા બાદ સમગ્ર મામલો સપાટી પર આવતા આ કેસમાં તેની તપાસ અત્યંત મહત્વની છે. જાેકે તેનો કોરોના ટેસ્ટ કરવાનો બાકી હોઈ પોલીસે હજુ સુધી તેની સત્તાવાર ધરપકડ કે બળાત્કાર કેસ સંદર્ભે પુછપરછ પણ કરી નથી.

અશોક જૈનની દર ૬ કલાકે તબીબી પરીક્ષણ માટે અરજી

અશોક જૈનને કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરાતા તેમના વકીલ હિતેશ ગૃપ્તાએ પણ કોર્ટમાં અરજી કરી હતી કે અશોક જૈનને કોર્ટમાં રજુ કરાયા ત્યાં સુધી તેમને વકીલને મળી કાયદાકિય સલાહ મેળવવાથી વંચિત રાખવામાં આવ્યા છે. અશોક જૈન ૬૯ વર્ષના વૃધ્ધ છે તેમજ તે ઘુંટણ, હાઈ બ્લડપ્રેશર, એક્યુડ પેનક્રિયાટાઈડટીશ, હિયરીંગ ડેફીશ્યન્સી અને યુરિક એસિડની બિમારીથી પિડાય છે અને તેમની સારવાર ચાલુ છે. તેમની સામે પ્રથમ વાર કોઈ ગુનો નોંધાયો છે અને તે પોલીસ કસ્ટડીમાં હોઈ ભારે તનાવમાં રહે છે. તેમને વધુ કોઈ તકલીફ ના થાય અને પોલીસ કસ્ટડીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તેમનું દર છ કલાકે સરકારી દવાખાનામાં મેડિકલ ચેકઅપ કરવામાં આવેે તેમજ પોલીસ કસ્ટડી દરમિયાન પોતાના વકીલને કાયદાકિય સલાહ માટે મળવા દેવામાં આવે.

દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને

પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ ખસેડાશે

અમદાવાદ ઃ રાજ્યમાં ચકચારી બનેલા દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈનની પાલીતાણાથી ધરપકડ બાદ મેડિકલ અને સંયોગિક પુરાવા એકત્ર કરવા માટે પોલીસે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં અશોક જૈનના પોટેન્સી ટેસ્ટ તથા સ્પર્મ ટેસ્ટ કરવા માટે લઈ ગયા હતા. જાે કે વડોદરાની સિવિલ હોસ્પિટલમાં આ ટેસ્ટ ફેલ ગયા હોવાથી હવે અશોક જૈનને પોટેન્સી ટેસ્ટ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવશે.. સિવિલ હોસ્પિટલમાં આસારામ સહિતના આરોપીઓના પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટ બાદ જ સત્ય સામે આવે તેવી સંભાવના ચાલી રહી છે.

અલ્પુ સિંધી અને અશોક જૈનનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરાશે

બળાત્કારની ફરિયાદ બાદ અલ્પુ સિંધી અને અશોક જૈને એકબીજા પર આરોપ લગાવ્યા હતા અને તેઓની આ કેસમાં કોઈ સંડોવણી નથી તેવું ચિત્ર ઉભુ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બંને રીઢા આરોપીઓ પાસેથી સાચી હકીકત કઢાવવા માટે પોલીસે આ બંનેનું ક્રોસ ઈન્ટ્રોગેશન કરવાની તજવીજ શરૂ કરી છે.