06, જુલાઈ 2025
અમરેલી |
2277 |
૨૦ જેટલા ગૌવંશ પર થયેલા એસિડ એટેકથી લોકોમાં આક્રોશ વધવા લાગતા અમરેલી પોલીસ સફાળી જાગી હતી અને તપાસનો ધમધમાટ ચાલુ

અમરેલીમાં થોડા દિવસ પહેલા 20 ગાયો પર કોઈ શખ્સો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેમાં આ ગાયોને ગંભીર ઇજા પહોંચી હતી. જેના પ્રત્યાઘાત સમગ્ર અમરેલી જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ગઈકાલે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા કલેકટર કચેરીએ ધસી જઈને તાત્કાલિક આરોપીઓને પકડવાની માંગ સાથે આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કયું હતું. જેના પગલે પોલીસે સીસીટીવી કેમેરાની ચકાસણી અને ફોરેન્સિક ટીમની મદદ લઈને તાબડતોબ તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો હતો.
જઘન્ય કૃત્ય આચરનાર ઈસમોનું પગેરૂ શોધવા માટે ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતોની પણ મદદ લેવાઈ
વિગત પ્રમાણે, અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 20 ગાયો પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. જેના આરોપી નહીં પકડતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો. જેના અનુસંધાને હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ સાથે અમરેલી કલેક્ટર કચેરીએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જે વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે તે વ્યક્તિને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
નરાધમોની બાતમી આપનાર વ્યક્તિને વિવિધ સંગઠનોની મદદથી રૂા. 1 લાખથી વધુનું ઈનામ અને રોકડ પુરસ્કાર અપાશે
આ સાથે સામાજિક અને જીવદયાપ્રેમી આગેવાોનએ જઘન્ય કૃત્ય આચરનાર નરાધમોની બાતમી આપનાર વ્યક્તિને વિવિધ સંગઠનોની મદદથી રૂા. 1 લાખથી વધુનું ઈનામ અને રોકડ પુરસ્કાર આપવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. આમ, ૨૦ જેટલા ગૌવંશ પર થયેલા એસિડ એટેકથી લોકોમાં આક્રોશ વધવા લાગતા અમરેલી પોલીસ સફાળી જાગી હતી અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. શહેરમાં જે-જે વિસ્તારમાં ગૌવંશ પર એસિડ એટેક થયા, એ તમામ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલુ કરવામાં આવી છે. આ સાથે ગૌવંશ પણ ક્યું જલદ્દ પ્રવાહી છાંટવામાં આવ્યું છે ? એ પ્રવાહી ઢોળાવાનાં નિશાન અન્ય કોઈ જગ્યાએ છે કે નહીં ? વગેરે જાણવા માટે પોલીસ દ્વારા એફએસએલ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં એસિડ એટેકનો ભેદ ઉકેલાઈ જવાની હિન્દુ સંગઠનોએ આશા વ્યક્ત કરી છે.