ગાંધીનગર, ગુજરાતમાં ધાક-ધમકી આપીને અથવા તો ખોટી રીતે જમીનો પચાવી પાડીને એ જમીનો પર ગેરકાયદેસર કબ્જાે જમાવતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી કુલ ૬૦ અરજીઓ આવી ચૂકી છે. આ અંગે વધુ વિગતો આપતા ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યાએ જણાવ્યું કે, રાજ્યમાં જે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો છે, તે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ૬૦ અરજીઓ કલેક્ટર ઓફિસને મળી ચૂકી છે. જેમાંથી ૪૧ અરજીઓની તપાસ શરૂ કરવામાં આવી હતી. હાલ ૧૬ અરજીની તપાસ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ૫ અરજીઓની તપાસ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત ફરિયાદો મળ્યા બાદ તેના પર સમિતિ દ્વારા તપાસ અને ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. પોલીસ ફરિયાદનો ર્નિણય પણ સમિતિની બેઠકમાં જ લેવામાં આવે છે. આમ સમિતિની પ્રથમ બેઠકમાં જ ૪ જ્યારે બીજી બેઠકમાં ૧ અરજી પર પોલીસ ફરિયાદ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આમ ગાંધીનગર જિલ્લામાં ૬૦ અરજીઓ પૈકી હાલ ૫ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આગામી સમયમાં પણ વધુ તપાસ કર્યા બાદ અન્ય પોલીસ ફરિયાદનો ર્નિણય લેવામાં આવશે.