નડિયાદ  : નડિયાદ મામલતદાર કચેરીમાં ફરી એકવાર મામલતદારો અને જિલ્લાનું ઉચ્ચ પ્રશાસન ઊંઘતાં ઝડપાયાં છે. એક તરફ જ્યાં કુદકેને ભૂસકે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યાં બીજીતરફ જિલ્લાની જ મુખ્ય કચેરીમાં જાણે કોરોનાને આમંત્રણ અપાઈ રહ્યું હોય તેવાં દૃશ્યો સામે આવ્યા છે. નડિયાદમાં ડભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરીમાં આવેલી મામલતદાર કચેરીના એટીવીટી વિભાગમાં વિવિધ કામોના અરજદારોનો રાફડો ફાટ્યો છે. તેમ છતાં એસી ઓફિસોમાં કેદ થઈને બેસતાં અધિકારીઓને જાણે પોતાની જ કચેરીના આ દૃશ્યોની જાણ ન હોય તેમ લાગી રહ્યું છે. 

સમગ્ર ઘટનાને જાેઈએ તો, નડિયાદ મામલતદાર કચેરીમાં શહેર અને ગ્રામ્ય એમ બે મામલતદાર કચેરી ભોંયતળીએ છે, જેનાં એટીવીટી એટલે કે નાગરિકોના કામને લગતો આ વિભાગ ભીડથી છલોછલ ઉભરાયેલો રહે છે. આ જ એટીવીટી વિભાગથી ૧૦૦થી ૨૦૦ મીટરમાં મામલતદારોની ઓફિસ છે. જ્યારે ઉપરના માળે પ્રાંત અધિકારીથી માંડી જિલ્લાના સમાહર્તાની ઓફિસ છે. આ અધિકારીઓને મળવા માટે સામાન્ય નાગરિકોને પરવાનગી આપવામાં આવતી નથી અને કાયદા બતાવાય છે, પરંતુ તેમનાં જ નેજા હેઠળ આ ભીડ કોરોના સંક્રમણમાં વધારો કરી રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. છતાં અધિકારીઓ ભીડને કાબૂમાં લેવામાં સંદતર નિષ્ફળ રહ્યાં છે.

જાગૃત નાગરિકોનું કહેવું છે કે, અધિકારીઓ દ્વારા આ વાતનું ચોક્કસ સંજ્ઞાન લઈ એટીવીટીમાં ભેગી થતી ભીડને ચોક્કસ આયોજનબદ્ધ રીતે કચેરીમાં પ્રવેશ આપે તેમજ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી ટોળું ન વળે અને લાઇનો થયાં વગર નાગરિકોના કામ કરી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરે તો આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ છે, પરંતુ હજુ સુધી કોઈ અધિકારી આ મુદ્દે વ્યવસ્થા કરવામાં રસ દાખવ્યો નથી.

બીજીતરફ ટોળાં વળવાના કારણે એટીવીટીમાં રોકાયેલાં કર્મચારીઓ સંક્રમણનો સીધો ભોગ બને તેવી શક્યતાઓ છે. તેમજ જે રીતે ભીડ થાય છે તે જાેતાં સામાન્ય નાગરિકો પણ કોરાનાથી સંક્રમિત થાય તેવો ભય રહેલો છે. આવાં સંજાેગોમાં ઓફિસોમાં કેદ અધિકારીઓ બહાર નીકળી આ તરફ રસ દાખવી ચોક્કસ નિયમો અને વ્યવસ્થા ઊભી કરે તેવી નગરજનોની માગણી છે.

ઉલ્લેખનીય છે કે, એટીવીટી વિભાગમાં મોટા પાયે નાગરિકો પોતાના કામો લઈને આવતાં હોય છે. રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના અનેક જમીનોને લગતાં દસ્તાવેજાે અને સુધારા વધારા માટે આ વિભાગ કાર્યરત છે, પરંતુ વિભાગમાં કામ કરતાં કર્મચારીઓની સુરક્ષાની અધિકારીઓને કંઈ પડી ન હોય તેવું ઉડીને આંખે વળઘે છે. તેમજ આ મુદ્દે કોઈ કાર્યવાહી ન કરી જાણે કોરોનાને આમંત્રણ અપાતંુ હોય તેમ લાગી રહ્યું છે.