વડોદરા

વડોદરાની સૌથી જાણેલી અને માનેલી નાટય સંસ્થા ત્રિવેણીનું નવલું નાટયસર્જન વન્સમોર દેશી ગુજરાતી ઓપેરાને આમંત્રણ આપવામાં આવેલ છે. સંગીત નાટક અકાદમી રંગ સંગમ નાટય સમારોહનું આયોજન કરી રહી છે અને આ રાષ્ટ્રીય સમારોહમાં આખા ભારત દેશમાંથી પસંદગી પામેલા પાંચ નાટકો ર૬ થી ર૯ માર્ચ સુધી ઓનલાઈન પ્રદર્શિત કરવામાં આવશે. ત્રિવેણીનું સંગીતાત્મક નાટયસર્જન વન્સમોર દેશી ગુજરાતી ઓપેરા ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલું એકમાત્ર ગુજરાતી નાટક છે. આ નાટકની પરિકલ્પના અને એનું નિર્દેશન પી.એસ.ચારી દ્વારા કરવામાં આવ્યું છે એનું સંગીત સંચાલન મિશાલ ભાટિયા દ્વારા કરવામાં આવેલું છે. સહનિર્દેશકમાં તૌસિફ ગોઘાવાલા, પ્રમેથ પંડિત, હાર્દિક ભાવસાર અને રિદ્ધિ ઉપાધ્યાયે એમનો ફાળો આપ્યો હતો. ત્રિવેણી વડોદરા લઈને આવી છે. ૧૪મી સદીથી ર૧મી સદી સુધીના હાસ્યરસથી ભરપૂર અવનવા ગીતોનો રસથાળ જે તમને ભવાઈથી લઈને જૂની ગુજરાતી રંગભૂમિ, પારસી રંગભૂમિ અને આધુનિક રંગભૂમિ સુધીનો વૈવિધ્યસભર સંગીતને સફર કરાવશે. ઘણા દિગ્ગજાેના વન્સમોર સાંપડેલા સંગીત સર્જન સંગીતાત્મક નાટયસર્જન વન્સમોર દેશી ગુજરાતી ઓપેરામાં વણી લેવામાં આવેલા છે. ભવાઈના પ્રખ્યાત ગણેશવંદના અને મા અંબાના આવણુંના ગીતો, ઉપરાંત જૂની રંગભૂમિના ખ્યાતનામ ગીતો જેવા કે જટ જાઓ ચંદન હાર લાવો, ઘુંઘટ નહીં ખોલું રે અને તે સિવાય પારસી રંગભૂમિના વખણાયેલા હાસ્યગીતો અને કવ્વાલીઓ આ સંગીતસભર નાટયાત્મક પ્રસ્તુતિમાં ગુંથી લેવામાં આવેલા છે જે ગીતોને પ્રેક્ષકો નાટક કરતાં પણ વધારે પસંદ કરતા અને વારંવાર વન્સમોરની બૂમોથી નાટયગૃહ ગુંજી ઊઠતું.