દુબઈ- 

કોરોના વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત દર્શકો વિના બાયો-સિક્યોર વાતાવરણમાં રમવામાં આવશે. કોરોનાને લીધે એક મોટો ફેરફાર એ છે કે બોલરો બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે આ એક નિયમનાં બે કારણોને લીધે વધુ અસર થશે નહીં ...

જો બોલ પર થૂંક લગાવવામાં ન આવે તો બોલર્સને સ્વિંગ કરવામાં તકલીફ પડે છે. જોકે T-20 જેવા ફોર્મેટમાં આ એક પડકાર નથી. ચેન્નઈ સુપર કિંગ્સના ઝડપી બોલર દીપક ચહરે પણ આ જ વાત કરી છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે વ્હાઇટ બોલ માત્ર 2 ઓવર સુધી જ સ્વિંગ થાય છે. વિકેટ સારી હોય તો 3 ઓવર સુધી સ્વિંગ થાય છે. તેથી બોલને ચમકાવવાની કે શાઇન કરવાની વધારે જરૂર નથી. હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર કુમાર કહે છે, થૂંકનો ઉપયોગ ન કરવા પર માત્ર રિવર્સ સ્વિંગ કરાવવામાં તકલીફ પડી શકે છે.

UAEમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં IPLની મેચ યોજાશે. અહીં વિકેટ સ્લો હોય છે, તેથી સ્પિનર્સને વધુ ફાયદો થશે અને સ્વિંગ કરનાર બોલર્સને વધુ મદદ મળશે નહિ. તેથી બોલ પર થૂંક ન લગાવવાના નિયમની કોઈ ખાસ અસર થશે નહિ. 2014માં જ્યારે UAEમાં IPLની 20 મેચ થઈ હતી ત્યારે માત્ર એક મેચમાં બંને ઇનિંગ્સમાં 200+ નો સ્કોર બન્યો હતો, જ્યારે 12 વાર 160+નો સ્કોર નોંધાયો હતો.

પહેલીવાર IPLમાં થર્ડ અમ્પાયર નો-બોલ ચેક કરશે. હવે મેચમાં થર્ડ અમ્પાયર બોલરનો ફ્રન્ટફૂટ નો-બોલ ચેક કરશે અને ગ્રાઉન્ડ અમ્પાયરને આ જોવાની જરૂર રહેશે નહિ. ગયા વર્ષે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સિરીઝમાં પણ થર્ડ અમ્પાયરે જ નો-બોલ ચેક કર્યો હતો.

IPL ગવર્નિંગ કાઉન્સિલે પણ આ સીઝનમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટને મંજૂરી આપી છે, એટલે કે જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવે છે, તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે. નિયમ મુજબ, બેટ્સમેન માત્ર બેટ્સમેનને અને બોલર માત્ર બોલરને રિપ્લેસ કરી શકશે. આ નિયમ સૌથી પહેલા 2018 એશિઝ સિરીઝમાં લાગુ થયો હતો.