દુબઇ-

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2020ની ત્રીજી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 10 રને હરાવ્યું છે. 164 રનનો પીછો કરતા હૈદરાબાદ 153 રનમાં ઓલઆઉટ થયું. હૈદરાબાદને અંતિમ 5 ઓવરમાં માત્ર 43 રનની જરૂર હતી અને તેની 8 વિકેટ હાથમાં હતી. સેટ બેટ્સમેન જોની બેરસ્ટો ફિફટી મારીને ક્રિઝ પર ઉભો હતો. જોકે, બેંગલોરના બોલર્સે વાપસી કરતા 32 રનમાં તેમની છેલ્લી 8 વિકેટ લીધી હતી. બેંગલોર માટે યુઝવેન્દ્ર ચહલે 3, જયારે શિવમ દુબે અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ લીધી.


વિરાટ કોહલી લીગમાં એક ટીમને 50 મેચ જિતાડનાર ચોથો કેપ્ટન બન્યો છે. તેની પહેલાં મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નઈ સુપરકિંગ્સ, ગૌતમ ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોહિત શર્માએ મુંબઈ ઇન્ડિયન્સને 50થી વધુ મેચ જિતાડી છે. ધોનીએ CSKને 100થી વધુ મેચ જિતાડી છે. તે આવું કરનાર એકમાત્ર કપ્તાન છે. 

રનચેઝમાં હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 રન બનાવીને રનઆઉટ થયો હતો. જોની બેરસ્ટોએ 61 અને મનીષ પાંડેએ 34 રન બનાવીને ઇનિંગ્સ સંભાળી હતી, પરંતુ ટીમને જિતાડી શક્યા નહોતા. મેચમાં બેરસ્ટોને ત્રણ જીવનદાન મળ્યાં હતાં. RCBના ફિલ્ડર્સે 40, 44 અને 60 રને તેનો કેચ છોડ્યો હતો. હૈદરાબાદના 8 બેટ્સમેન ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા નહોતા.રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે IPL 2020ની ત્રીજી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં 5 વિકેટ 163 રન કર્યા છે. તેમના માટે દેવદત્ત પદિકકલ અને એબી ડિવિલિયર્સે ફિફટી ફટકારતાં અનુક્રમે 56 અને 51 રન કર્યા. હૈદરાબાદ માટે વિજય શંકર, ટી. નટરાજન અને અભિષેક શર્માએ 1-1 વિકેટ લીધી.​​​​​​