ચેન્નઈ

સનરાઇઝર્સ હૈદરાબાદે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝનના ૧૪મા મુકાબલામાં પંજાબ કિંગ્સ ને ૯ વિકેટે પરાજય આપી આ સીઝનમાં પ્રથમ જીત મેળવી છે. સતત ત્રણ હાર બાદ ડેવિડ વોર્નરની ટીમને પ્રથમ જીત મળી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૨૦ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં હૈદરાબાદે ૧૮.૪ ઓવરમાં ૧ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો છે. હૈદરાબાદને બન્ને ઓપનર ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોએ સારી શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ટીમનો સ્કોર ૫૦ રન પહોંચાડી દીધો હતો. વોર્નર અને બેયરસ્ટોએ પ્રથમ વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી કરી હતી. ડેવિડ વોર્નર ૩૭ બોલમાં ૩૭ રન બનાવી એબિયેન એલેનનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટોએ ૫૬ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે અણનમ ૬૩ રન બનાવ્યા હતા. આ સિવાય કેન વિલિયમસને ૧૯ બોલમાં અણનમ ૧૬ રન બનાવ્યા હતા. 

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ તરફથી કેપ્ટન મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે ઈનિંગની શરૂઆત કરી હતી. અનુભવી ભુવનેશ્વરે રાહુલને આઉટ કરી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. રાહુલે ચાર રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલ (૨૨)ને ખલીલ અહમદે આઉટ કર્યો હતો. ત્યારબાદ નિકોલસ પૂરન શૂન્ય રન બનાવી રનઆઉટ થયો હતો. પૂરન ચોથી મેચમાં ત્રીજીવાર ઝીરો પર આઉટ થયો છે. ક્રિસ ગેલને રાશિદ ખાને પેવેલિયન મોકલી આપ્યો હતો. તેણે ૧૭ બોલમાં ૧૫ રન બનાવ્યા હતા. દીપક હુડ્ડા ૧૩ રન બનાવી અભિષેક શર્માનો શિકાર બન્યો. હેનરિકેજને પણ અભિષેક શર્માએ ૧૪ના સ્કોર પર આઉટ કર્યો હતો. શાહરૂખ ખાન ૨૨ રન બનાવી ખલીલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થ કૌલે મુરુગન અશ્વિનની વિકેટ ઝડપી હતી. શમી ત્રણ રન બનાવી અંતિમ વિકેટના રૂપમાં રનઆઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ખલીલ અહમદે ત્રણ વિકેટ ઝડપી હતી. અભિષેક શર્માને બે સફળતા મળી હતી. ભુવનેશ્વર, રાશિદ ખાન અને સિદ્ધાર્થ કૌલના ખાતામાં પણ એક-એક વિકેટ આવી હતી.