મુંબઈ

રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ-૧૪ના ૧૯માં મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૬૯ રને પરાજય આપી સતત ચોથો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. રવિન્દ્ર જાડેજાએ અણનમ અડધી સદી ફટકાર્યા બાદ ત્રણ વિકેટ પણ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સીએસકેએ ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૨૨ રન બનાવી શકી હતી. આઈપીએલ-૨૦૨૧મા શાનદાર શરૂઆત કરનાર આરસીબીનો આ પ્રથમ પરાજય છે. સતત ચાર જીત બાદ ટીમને પ્રથમ હાર મળી છે. આરસીબી પાંચ મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. તો ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ મેચ હાર્યા બાદ સતત ચોથી જીત મેળવી છે. તે ૮ પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ સ્થાને છે. 

ચેન્નઈએ આપેલા ૧૯૨ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આરસીબીને દેવદત્ત પડિક્કલે આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે વિરાટ સાથે પ્રથમ વિકેટ માટે ૪૧ રનની ભાગીદારી કરી હતી. કોહલી ૮ રન બનાવી સેમ કરનનો શિકાર બન્યો હતો. દેવદત્ત પડિક્કલ ૧૫ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૪ રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો. આરસીબીએ પાવરપ્લેમાં બે વિકેટે ૬૫ રન બનાવ્યા હતા. શાનદાર અડધી સદી બાદ જાડેજાએ બોલિંગમાં કમાલ કર્યો હતો. તેણે ગ્લેન મેક્સવેલ (૨૨), વોશિંગટન સુંદર (૭) અને એબી ડિવિલિયર્સ (૪)ને આઉટ કરી બેંગલોરની જીતની આશા પર પાણી ફેરવી દીધુ હતું. જાડેજાએ ૪ ઓવરમાં એક મેડન સાથે માત્ર ૧૩ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. આ સાથે જાડેજાએ ડેનિયલ ક્રિસ્ટિયન (૧)ને સીધા થ્રો દ્વારા રનઆઉટ પણ કર્યો હતો. 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને રુતુરાજ ગાયકવાડે દમદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પાવરપ્લેમાં ૫૧ રન જોડ્યા હતા. ચેન્નઈ સુપર કિંગ્સને પ્રથમ ઝટકો ૭૪ રનના સ્કોર પર લાગ્યો હતો. રુતુરાજ ગાયકવાડ ૨૫ બોલમાં ૪ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૩૩ રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. ફાફ ડુ પ્લેસિસે આજે ફરી શાનદાર બેટિંગ કરતા ૪૧ બોલમાં ૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૦ રન બનાવ્યા હતા. ૧૯મી ઓવર સુધી ટીમનો સ્કોર ૪ વિકિટે ૧૫૪ રન હતો. ૨૦ ઓવર પૂરી થયા બાદ ચેન્નઈનો સ્કોર ૧૯૧ રન થઈ ગયો. હર્ષલ પટેલની છેલ્લી ઓવરમાં જાડેજાએ ૫ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ ૩૭ રન ફટકાર્યા હતા. જાડેજાએ ૨૮ બોલમાં ૫ છગ્ગા અને ૪ ચોગ્ગા સાથે અણનમ ૬૨ રન બનાવ્યા હતા.