અમદાવાદઃ

કોલકત્તા નાઇટ રાઇડર્સેએ અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલામાં પંજાબ કિંગ્સને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં બીજી જીત મેળવી છે. કોલકત્તાએ સતત ચાર હાર બાદ આ જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 123 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 16.4 ઓવરમાં 5 વિકેટે 126 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

નાના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને પ્રથમ ઓવરમાં નીતીશ રાણા (0)ના રૂપમાં ઝટકો લાગ્યો હતો,. રાણાને હેનરિક્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ (9)ને શમીએ આઉટ કરી પંજાબને બીજી સફળતા અપાવી હતી. સુનીલ નરેન (0) અર્શદીવનો શિકાર બન્યો હતો. આમ કોલકત્તાએ પાવરપ્લેમાં 3 વિકેટે 42 રન બનાવ્યા હતા.

17 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રાહુલ ત્રિપાઠી અને મોર્ગને જવાબદારી સંભાળી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. રાહુલ ત્રિપાઠી 32 બોલમાં 7 ચોગ્ગા સાથે 41 રન બનાવી દીપક હુડ્ડાનો શિકાર બન્યો હતો. આંદ્રે રસેલ 9 બોલમાં 10 રન બનાવી રનઆઉટ થયો હતો. કેપ્ટન મોર્ગન 40 બોલમાં 4 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 47 રન બનાવી અમનમ રહ્યો હતો. દિનેશ કાર્તિકે 6 બોલમાં 12 રન બનાવ્યા હતા.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખુબ ધીમી રહી હતી. પાવરપ્લેમાં ટીમ 1 વિકેટે માત્ર 37 રન બનાવી શકી હતી. કેપ્ટન કેએલ રાહુલ 20 બોલમાં 19 રન બનાવી પેટ કમિન્સનો શિકાર થયો હતો.

ક્રિસ ગેલ શૂન્ય રન પર શિવમ માવીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ દીપક હુડ્ડા પણ 1 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. મયંક અગ્રવાલ 34 બોલમાં 31 રન બનાવી સુનીલ નરેનની ઓવરમાં આઉટ થયો હતો. કોલકત્તાએ 60 રન પર પોતાની ચોથી વિકેટ ગુમાવી હતી. ટીમને 75 રને પાંચમો ઝટકો હેનરિક્સ (2)ના રૂપમાં લાગ્યો હતો. આ સફળતા સુનીલ નરેનને મળી હતી.

શાહરૂખ ખાન 13 રન બનાવી પ્રસિદ્ધનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરોમાં ક્રિસ જોર્ડને 18 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 30 રન બનાવી ટીમનો સ્કોર 120ને પાર પહોંચાડ્યો હતો. જોર્ડનને પ્રસિદ્ધે બોલ્ડ કર્યો હતો. રવિ બિશ્નોએ (1)ને કમિન્સે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

કોલકત્તા નાઇટ રાઇડર્સ માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 30 રન આપી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય કમિન્સે 31 રન આપી બે તથા નરેનને 22 રન આપી બે વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તી અને શિવમ માવીને એક-એક સફળતા મળી હતી.