નવી દિલ્હી

શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધનને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી મુજબ તેમને હ્રદયની બીમારીની સમસ્યા થતાં તેઓને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. તે હાલમાં આઈપીએલની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ચેન્નાઈમાં છે. તે ટીમનો બોલીંગ કોચ છે. આ દરમ્યાન જ તેમને હ્દયની બીમારીની સમસ્યા પેદા થઈ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટનુસાર મુરલીધરનને રવિવારે સાંજે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જાણકારી મળી રહી છે કે મુરલીધરનના હાર્ટમાં એક બ્લોકેજ છે. આવી સ્થિતીમાં હવે તેમની સારવાર સ્ટેન્ટ મુકીને કરવામાં આવશે.

49 વર્ષીય મુરલીધરન ક્રિકેટના સૌથી સફળ બોલરો પૈકીના એક છે. તેઓએ શ્રીલંકા માટે 133 ટેસ્ટ મેચ અને 350 વન ડે મેચ રમી છે. જેમાં તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 800 અને વન ડેમાં 534 વિકેટ ઝડપી હતી. તેઓએ વર્ષ 2011ના વિશ્વકપ બાદ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો હતો. તે આઈપીએલમાં પણ રમી ચુક્યા છે. તેઓ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, કોચ્ચી ટસ્કર્સ કેરલા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો પણ રહી ચુક્યા છે. બાદમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ સાથે કોચ રુપે જોડાયા હતા.

મુરલીધરને પોતાની કેરિયર દરમ્યાન બોલીંગ એકશનને લઈને પણ વિવાદોનો સામનો કરવો પડ્યો હતો. તેમની એકશનને અનેકવાર અવૈધ ગણાવવામાં આવી હતી. જોકે તે અંગેના ટેસ્ટ દરમ્યાન તેમને ક્લીન ચીટ મળી હતી. તે પોતાની કેરિયર દરમ્યાન 1,711 દિવસ સુધી નંબર વન ટેસ્ટ બોલર રહ્યા હતા. આ પણ એક રેકોર્ડ છે કે, તેઓ સૌથી લાંબા સમય સુધી નંબર વનના સ્થાન પર રહ્યા હતા.