મુંબઈ-

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધતા IPL 2021 નું સ્થળ બદલાય તેવી શક્યતા છે. IPLની 2021ની સિઝન ભારતમાં રમાશે. જેની જાહેરાત BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કરી હતી. પણ હાલ મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. PTI ના જણાવ્યા પ્રમાણે આઇપીએલ 2021ની સિઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાઇ શકે છે. જ્યારે આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશના ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.

આ શહેરમાં હૈદરાબાદ, બેંગલુરૂ અને કલકત્તા પ્રમુખ સ્થાને ચાલી રહ્યા છે. જોકે મુંબઇમાં પણ મેચના આયોજન માટે વિચારણા છે. પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં તેનો નિર્ણય હાલ લેવાયો નથી. આઇપીએલની મેચ અમદાવાદમાં થવા માટેનું સૌથી મોટું કારણ આ સ્ટેડિયમની સૌથી વધુ બેઠક ક્ષમતા છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ બેઠક ક્ષમતા 1.32 લાખની છે. જો કોરોનાની હાલની ગાઇડલાઇનને પણ ધ્યાનમાં લેવામાં આવે તો 50 ટકા બેઠક ક્ષમતા પ્રમાણે 66,000 દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે આ સ્ટેડિયમમાં કુલ 11 પિચ છે જે ટીમો માટે અનુકુળ રહેશે.