દુબઇ 

IPLની 13મી સીઝનની 14મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપરકિંગ્સને 7 રને હરાવ્યું છે. હૈદરાબાદે ટોસ જીતીને બેટિંગ કરતા 165 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 5 વિકેટે 157 રન જ કરી શક્યું. તેમના માટે રવિન્દ્ર જાડેજાએ 50 અને મહેન્દ્રસિંહ ધોનીએ 47 રન કર્યા. હૈદરાબાદ IPLમાં બીજીવાર ચેન્નાઈ સામે ટાર્ગેટ ડિફેન્ડ કરતા મેચ જીત્યું છે. આ પહેલા 2015માં હૈદરાબાદે ચેન્નાઈને ટાર્ગેટ આપ્યા બાદ 22 રને મેચ જીતી હતી. ચેન્નાઈ આ સીઝનમાં સતત ત્રીજી મેચ હાર્યું છે. જીતનો હીરો યુવા બેટ્સમેન પ્રિયમ ગર્ગ રહ્યો છે. એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ પાંચમી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી. જાડેજાએ 35 બોલમાં 50 રન બનાવ્યા. જ્યારે ધોની 47 રને અણનમ રહ્યો. આ બંને સિવાય ફાફ ડુ પ્લેસીસે 22 રન કર્યા. બાકીના બેટ્સમેનોએ ટીમને નિરાશ કર્યા. 

ચેન્નાઈનો કપ્તાન મહેન્દ્રસિંહ ધોની અણનમ પેવેલિયન પરત ફર્યો, પરંતુ ટીમને જીતાડી શક્યો નહીં. આ સીઝનમાં બીજીવાર અને લીગમાં છઠ્ઠી વાર ધોની અણનમ રહ્યો પણ ટીમને મેચ જીતાડી શક્યો નહીં. આ પહેલા તે રાજસ્થાન રોયલ્સ સામે શારજાહમાં 29 રને નોટઆઉટ રહ્યો હતો. પરંતુ ચેન્નાઈ જીતી શકી નહોતી. 

રવિન્દ્ર જાડેજાએ કોઈપણ લેવલે T-20 ક્રિકેટમાં પ્રથમ ફિફટી મારી. આ તેની IPLની 174મી અને કુલ T-20માં 241મી મેચ હતી. અત્યાર સુધી તેના નામે IPLમાં એકપણ ફિફટી ફટકાર્યા વગર સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ હતો. તેણે 35 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 50 રન કર્યા. 

ચેન્નાઈએ શરૂઆતની 10 ઓવરમાં સીઝનનો સૌથી ઓછો સ્કોર કર્યો. તેમણે 10 ઓવરમાં 4 વિકેટે 44 રન બનાવ્યા. આ પહેલા પણ ચેન્નાઈએ આ મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામે 10 ઓવરમાં 3 વિકેટે 47 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હીએ દુબઈમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 3 વિકેટે 49 રન બનાવ્યા હતા.