દુબઈ 

 ઈન્ડિયન પ્રીમિયર લીગની 29મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 20 રને હરાવી ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 167 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન બનાવી શકી હતી. પરંતુ આ મેચમાં અમ્પાયરનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ ઘટના હૈદરાબાદની ઈનિંગની 19મી ઓવરના બીજા બોલ પર બની હતી.

હૈદરાબાદની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઈનિંગની 19મી ઓવર ફેંકવા માટે શાર્દુલ ઠાકુર બોલિંગમાં આવ્યો હતો. આ સમયે ઈનિંગના બીજા બોલ પર રાશિદ ખાન બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે શાર્દુલ ઠાકુરે તેને ઓફ સ્ટમ્પની બહાર બોલ ફેંક્યો ત્યારે અમ્પાયરે વાઇડ બોલ આપ્યો હતો. ત્યારપછીનો બોલ પણ શાર્દુલે ઓફ સ્ટમ્પની ઘણો બહાર ફેંક્યો હતો. આ સમયે રાશિદ ખાન રમવા માટે બેટ ત્યાં સુધી લઈ ગયો પરંતુ સંપર્ક ન થયો. ત્યારે અમ્પાયર વાઇડ આપવા જઈ રહ્યા હતા, તેણે વાઇડ બોલ આપવા માટે એક્શન કરતા પોતાના હાથ થોડા ઉપર પણ કરી લીધા પરંતુ બોલર અને વિકેટકીપર એમએસ ધોનીએ પણ હાથ લાંબો કરીને કહ્યુ કે, બોલ વાઇડ નથી. તો અમ્પાયરે પોતાના હાથ ફરી નીચા લઈ લીધા અને વાઇડ બોલ ન આપ્યો. અમ્પાયરના આ નિર્ણયથી આઈપીએલમાં ફરી નવો વિવાદ શરૂ થયો છે.


અમ્પાયરના આ નિર્ણય બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ટ્વિટર પર Umpire અને Dhoni ટ્રેન્ડ થવા લાગ્યા હતા. ઘણા લોકોએ તો એમએસ ધોનીને પણ ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. આ પ્રથમ વખત નથી જ્યારે ધોની આ રીતે અમ્પાયર સાથે વિવાદમાં આવ્યો હોય. પાછલા વર્ષે રાજસ્થાન સામે રમાયેલી મેચમાં નો-બોલ ન આપવા બદલ ધોની મેદાન પર પહોંચી ગયો હતો અને અમ્પાયર સાથે ચર્ચા કરી હતી.