વડોદરા, તા.૧૩ 

ઇસ્કોન મંદિર-વડોદરા દ્વારા ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વે ગરીબોને ફુડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવનાર છે. ઇસ્કોન મંદિર દ્વારા આ માટે ઘઉંના લાડુ, તલના લાડુ અને ફુલવડીના ૨૫૦૦૦ ફુડ પેકેટ્‌સ તૈયાર કરવામાં આવ્યા છે. ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ નિત્યાનંદ સ્વામીએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં ઇસ્કોન મંદિર તરફથી ૨૫૦૦૦ થી વધુ ફુડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવશે. ઇસ્કોન મંદિર તરફથી વિતરણ કરવામાં આવનાર ફુડ પેકેટ્‌સમાં ૨ નંગ તલના લાડુ, ૨ નંગ ઘઉંના લોટના લાડુ, મમરાના લાડુ અને ૧૦૦ ગ્રામ ફુલવડી આપવામાં આવશે. આ માટે ઇસ્કોન મંદિરમાં છેલ્લા ૫ દિવસથી લાડુ-ફુલવડી બનાવી સ્વયંસેવકો દ્વારા તેના પેકેટ્‌સ તૈયાર કરાઇ રહ્યા છે. ઇસ્કોન મંદિર-વડોદરાના ઉપાધ્યક્ષ પૂ.નિત્યાનંદજીએ વધુમાં જણાવ્યું હતું કે, તલના લાડુ, ઘઉંના લોટના લાડુ અને ફુલવડી બનાવવા માટે ૧૧૦ ડબ્બા શુદ્ધ ઘી, ૧૦૦ ડબ્બા તેલ, ૧૫૦૦ કિલોગ્રામ સફેદ અને કાળા તલ, ૨૦૦૦ કિલોગ્રામ ગોળ, ૧૦૦૦ કિલોગ્રામ ખાંડ, ૧૨૦૦ કિલોગ્રામ ઘઉંનો લોટ, ૧૨૦૦ કિલોગ્રામ ફુલવડી માટેનો લોટ આ ઉપરાંત ૫૦ કોથળા મમરા તેમજ ડ્રાયફ્રુટનો ઉપયોગ કરાયો છે.