વલસાડ,  વલસાડ જિલ્લામાં ઝડપથી પ્રસરી રહેલા કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા કલેકટર આર આર રાવલ ના માર્ગદર્શન હેઠળ જિલ્લાનું વહીવટીતંત્ર આકાશ - પાતાળ એક કરી રહ્યું છે . કોરોનાની ખતરનાક સાબિત થઇ રહેલી બીજા સ્ટેજની લ્હેરના કારણે સંક્રમિત થયેલ દરદીઓ ને સારવાર માટે સુવિધા આપવા વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૭ આઈસોલેશન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે . જેમાં ૨૫૦ થી વધુ પથારીઓનું નિર્માણ કરાયું છે . વલસાડ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાએ વાપી ખાતે ગઈકાલે તાલુકા પંચાયતના પદાધિકારી સાથે બેઠક યોજી ગ્રામ્ય વિસ્તારોમાં હોમ કોરોન્ટાઇન થતા કોરોનાના દર્દીઓને આઈસોલેશન સેન્ટરનો લાભ લેવા અપીલ કરી હતી . વાપી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રજનીકાંત પટેલ , કારોબારી સમિતિના અધ્યક્ષ સંજયભાઈ પટેલ , સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ મનોજભાઈ માહ્યાવંશી વાપી તાલુકા ભાજપના પ્રમુખ સુરેશભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારી શિવરાજસિંહ ખુમાણની હાજરીમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને મળેલ બેઠકમાં ડેપ્યુટી ડીડીઓ ધર્મેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપથી પ્રસરતો કોરોનાનો રોગને નિયંત્રણમાં લેવા આઈસોલેશન સેન્ટરો ખુબ જ ઉપયોગી સાબિત થશે . આ સેન્ટરોમાં રહેવા - જમવાની સુવિધાઓ ઉપરાંત મેડીકલ સુવિધાઓ આપવા મેડીકલ ટીમ દર્દીઓની નિયમિત તબીબી ચકાસણી પણ કરશે . મકવાણાએ તાલુકા પંચાયતના પદાધિકારીઓને આ ઘર આંગણે ઉભી કરાયેલી સુવિધાઓનો વ્યાપક પ્રસાર કરવા અનુરોધ કરતા કહ્યું હતું કે , વાપી તાલુકામાં એન્ટીજન ટેસ્ટ કરવા માટે પુરતી કીટ છે તેથી એન્ટીજન ટેસ્ટ વધુ થાય અને સમયસર દર્દીઓ સારવાર લે તો મૃત્યુઆંક ઘટાડી શકાશે . તેમણે ગ્રામ્યકક્ષાએ કોરોનાને નિયંત્રણમાં લેવા સરપંચો અને ગ્રામ વોરીયર્સ સમિતિને સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી હતી .