ગોધરા-

ગોધરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારના 4 વાગ્યાથી ગોધરા શહેરમાં અલગ અલગ 10 ઉપરાંત જગ્યાએ આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગની જુદી જુદી 15 ઉપરાંત ટીમો દ્વારા ગોધરા શહેરના અનાજ, તેલ ના મોટા વેપારીઓ , બિલ્ડરો, ફાયનાન્સનો વેપાર કરતા વેપારી, ઓટોમોબાઇલનો બિઝનેશ કરતા વેપારી તેમજ સ્ક્રેપનો બિઝનેસ કરતા વેપારીઓને ત્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનને લઈને કર ચોરી કરનારા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન બાદ મોટી માત્રામાં કર ચોરી બહાર આવે તેવી પૂરેપૂરી શકયતા સેવાઇ રહી છે.