વડોદરા, તા.૪ 

દેશ અને દુનિયામાં કોરોના હજુ નિયંત્રણ હેઠળ આવ્યો નથી તેવા સમયે ભારતમાં બર્ડફલૂના રોગે માથું ઊંચકયું છે. દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ બર્ડફલૂ જાેવા મળ્યો છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી એક હજારથી વધુ પક્ષીઓ મરણ પામ્યા છે. આ ઘટનાથી ચોંકી ઊઠેલા વાઈલ્ડલાઈફ ઓથોરિટીએ મૃત્યુનું કારણ શોધવા માટે ભોપાલની હાઈસિકયુરિટી એનિમલ ડિસીઝ લેબ.માં મૃત પક્ષીઓના સેમ્પલો મોકલવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે વિદેશથી આવતા પક્ષીઓ સાથે વાઈરસ લાગતા હોય, હાલ ડભોઈ તાલુકાન વઢવાણા તળાવ ખાતે દેશ-વિદેશથી પક્ષીઓ આવતાં હોય છે. સરકારી તંત્ર દ્વારા જરૂરી તકેદારી લેવાય તે અનિવાર્ય છે.તાજેતરમાં હિમાચલ પ્રદેશ તેમજ ગુજરાતના બાંટવામાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત નીપજ્યાં હતાં.

જેમાં બર્ડફલૂના કારણે ત્યાં સંખ્યાબંધ પક્ષીઓ મોતને ભેટયા હોવાના અહેવાલ સાંપડયા છે અને મોટાભાગે વિદેશથી આવતાં પક્ષીઓમાં બર્ડફલૂનો ચેપ લાવતા હોવાનું અનુભાન છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં કોટા અને પાલી જિલ્લામાં એકસોથી વધુ કાગડા મૃત મળી આવ્યા હતા. અગાઉ પણ ઝાલાવાડ જિલ્લામાં બર્ડફલૂની અસર હોવાના સમાચારને સમર્થન મળ્યું હતું. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ૧૩ કાગડાઓ મૃત મળી આવ્યા હતા. બર્ડફલૂ ક્યારે મહામારીમાં પરિણમે તે કહી શકાય નહીં. ચેપ લાગેલ મરઘી કે બીજા પક્ષીઓ દ્વારા આ રોગ ફેલાઈ શકે છે અને પક્ષીઓ દ્વારા માણસમાં પણ આ રોગનો ચેપ ફેલાઈ શકે છે. અત્યારે શિયાળો હોવાથી હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ વડોદરા નજીક ડભોઈ ખાતે હાલ ખૂબ મોટી સંખ્યામાં દેશ-વિદેશથી પક્ષીઓ આવેલા છે. તેથી અહીંયાં આવેલા પક્ષીઓની યોગ્ય તપાસ થાય તો વર્ડફલૂ સ્થાનિક સ્તરે વકરે તે અટકાવી શકાય તેમ છે. આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જાેવાનું રહ્યું છે.