મુંબઈ-

મોટાભાગની એફઆઈઆરમાં જોવા મળે છે એ રીતે, નાના વાહનો સાથે થયેલા અકસ્માતોમાં કાયમ મોટા વાહનોના ડ્રાઈવરો જ અકસ્માત કરવા માટે જવાબદાર હોય, એવી માનસિકતા હવે બદલવાની જરૂર છે, એમ આજે મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું. 

પુડુકોટ્ટાઈ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા વાહન અકસ્માતના વળતર દાવા પર વિચારણા માટેની ટ્રીબ્યુનલ (એમએસીટી) દ્વારા આપવામાં આવેલા આદેશને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને તે દરમિયાન હાઈકોર્ટે ઉક્ત નિવેદન આપ્યું હતું. આ અકસ્માતમાં ગોવિંદરાજુ પોતાના ત્રણ મિત્રો વેંકટેશ્વરન, પ્રસાંત અને ગોતમનરાજ સાથે દ્વિચક્રીય વાહન પર પુડુકોટ્ટાઈની શાળાએ જઈ રહ્યો હતો. એ સમયે વાહન ચલાવી રહેલો પ્રસાંત એક લોડેડ ટ્રકને ઓવરટેક કરવા ગયો હતો ત્યારે સામેથી આવતી રાજ્ય પરીવહન નિગમની બસ સાથે તેઓ અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ગોવિંદરાજુનું મોત થયું હતું. એમએસીટી દ્વારા ગોવિંદરાજુને રૂપિયા 6.6 લાખનું વળતર ચૂકવાય એમ ટ્રીબ્યુનલે જણાવ્યું હતું. રાજ્ય પરીવહન દ્વારા આ ચૂકાદાને પડકારવામાં આવ્યો હતો કે, બાઈકચાલક દ્વારા સામેથી આવતી બસને ધ્યાનમાં લીધા વિના ટ્રકને ઓવરટેક કરવામાં આવી હતી અને તે દ્વારા તેણે અકસ્માત નોતર્યો હતો. આમ, તેની બેદરકારી ગણાય.

જસ્ટીસ કે મુરલીશંકરે જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર્સ બે વ્યક્તિઓ માટે હોય છે અને તેનાથી વધારે લોકોને બેસાડનાર વ્યક્તિ આઈપીસીની વાહન ધારા 128 હેઠળ ગુનો કરે છે. હવે એ સમય આવી ગયો છે કે, ખરેખર તો ચલાવનારાની બેદરકારી અને નિયમભંગને લીધે થયેલા વાહન અકસ્માતમાં ઈજા પામેલા લોકો માટે કે પછી માર્યા ગયેલા લોકોના પરીવારજનોને માટે આપણે માત્ર સહાનુભૂતિથી ન વિચારીએ. આ કેસમાં અપીલનો આંશિક દાવો માન્ય રાખીને કોર્ટે દાવાની 50 ટકા રકમ આપવાની મંજૂર રાખી હતી.