વડોદરા-

ગુનેગાર કે તેના પરિવારનો તિરસ્કાર કરવા થી ગુનાખોરી અટકવાની નથી.ગુનેગાર ને તેના ગુનાનો પસ્તાવો થાય અને તેની સાથે તેને જીવન સુધારણા ની તકો મળે અને ખાસ કરીને એવા પરિવારો કે જેમનો મુખ્ય કમાનાર વ્યક્તિ જેલવાસ ભોગવતો હોય ત્યારે એના પરિવારને આર્થિક મુશ્કેલીના રૂપમાં સજા ના ભોગવવી પડે તો ગુનેગાર અવશ્ય સારા જીવન તરફ વળે છે.

 ગુજરાત સરકારે આવો જ કેદી સુધારણા અને કલ્યાણનો અભિગમ અપનાવ્યો છે, જેની પ્રતીતિ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા વિભાગની જેલ વિભાગના સહયોગ થી અમલી કેદી સહાય યોજના કરાવે છે.જેનો આશય પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિને જેલવાસ થવાથી નિરાધાર બનેલા પરિવારને ધંધા રોજગાર માટે સાધન સહાય આપીને ,તેને ઓશિયાળા પણા માં થી બહાર આણી સ્વમાનભેર જીવવાની તક આપવાનો છે.નિર્ધારિત નિયમો પ્રમાણે લાયક કેદીને,તેના પરિવાર માટે આ સહાય મળી શકે છે.

 વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક બળવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે વડોદરા જેલમાં સન 2011/12 થી આ યોજનાનો ઉત્તરોત્તર વધુ ને વધુ સારો અમલ કેદી કલ્યાણ અધિકારી ના માધ્યમ થી થઈ રહ્યો છે જેના પરિણામે પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિના જેલવાસ થી કફોડી સ્થિતિમાં મુકાયેલા પરિવારોને ઘણી મોટી રાહત મળી છે. દશ વર્ષ દરમિયાન આ યોજના હેઠળ સમાજ સુરક્ષા વિભાગના માધ્યમ થી વડોદરા સેન્ટ્રલ જેલના 757 લાભને પાત્ર કેદીઓના પરિવારો ને, શરૂઆતમાં રૂ.5 હજાર,પછી રૂ.10 હજાર અને હાલમાં મહત્તમ રૂ.25 હજારની સાધન સહાયના ધોરણે રૂ.85.30 લાખની સહાય ચુકવવામાં આવી છે.

અમે કોરોના ના વર્ષમાં પણ આ યોજનાની કામગીરી અટકાવી નથી અને વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં 96 લાભાર્થી કેદીઓના પરિવારો માટે રૂ.24 લાખની સહાય મંજુર કરી છે એવી જાણકારી આપતાં કેદી કલ્યાણ અધિકારી શ્રી મહેશ રાઠોડે જણાવ્યું કે જેની આવક પર પરિવારના ગુજરાન નો આધાર હોય એવી મુખ્ય વ્યક્તિને 5 વર્ષ કે તેથી વધુ મુદતનો જેલવાસ થયો હોય અને પરિવાર ગરીબી રેખા હેઠળ શહેરી કે ગ્રામીણ વિસ્તાર માટે ઠરાવેલી આવક મર્યાદા હેઠળ આવતો હોય,એવા કેદીઓ પાસે થી જરૂરી અરજીઓ મેળવી યોજનાનો લાભ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ જેલ સમિતિના માધ્યમ થી અરજીઓની ચકાસણી અને અન્ય પ્રક્રિયાઓ કરવામાં આવે છે અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આવી અરજીઓની રાજ્યના સમાજ સુરક્ષા નિયામક પાસે થી મંજુરી મેળવે પછી સહાય મંજૂર કરવામાં આવે છે.મહત્તમ પારદર્શકતા માટે મંજૂર થયેલી સહાયની રકમ સીધેસીધી લાભાર્થી ના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ની સુવિધા હેઠળ જમા કરાવવામાં આવે છે. મહેશભાઈ એ જણાવ્યું કે કેદી લાભાર્થી નો પરિવાર આવકલક્ષી પ્રવૃત્તિ સરળતા થી કરી શકે તે માટે દુધાળા ઢોર,સિલાઈ મશીન,ચાર પૈંડા વાળી લારી જેવી અસ્ક્યામતો/ સાધનો સ્વરૂપે આ સહાય આપવામાં આવે છે. આ યોજના થી આવક વંચિત કેદી પરિવારોને ઘણી મોટી રાહત મળી છે.કેદી કલ્યાણની આ સરળ અને પારદર્શક યોજના રાજ્ય સરકારના કેદી કલ્યાણના માનવતા થી મહેંકતા અભિગમની અનુભૂતિ કરાવે છે. યોજનાની શરૂઆતમાં સહાય રૂ.5 હજાર હતી જે પાછળ થી વધારીને રૂ.10 હજાર અને હાલમાં રૂ.25 હજાર કરવામાં આવી છે.