નડિયાદ : ખેડા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નડિયાદ ખાતે વર્ષ ૨૦૨૦ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ વિધાનસભાના દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના ૯ શિક્ષકોને, જ્યારે રાજ્યકક્ષાના યોજાયેલાં કાર્યક્રમમાં જિલ્લાના એક શિક્ષકને એવોર્ડ આપીને સન્માતનિત કરાયા હતા.  

આ પ્રસંગે વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇએ તમામ પારિતોષિક વિજેતા શિક્ષકોને સરકાર તરફથી અભિનંદન આપતાં જણાવ્યું હતું હતું કે, સમાજમાં શિક્ષકનું આદરપાત્ર સ્થાન છે. શિક્ષક તરીકેની ગરીમા જાળવી આ વ્યવસાયને ન્યાય આપશે તો આવનારા ભારતના ભવ્ય નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય લેખાશે. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, શિક્ષણ માનવ જીવનમાં અમૂલ્યન છે, પરંતુ આ અમૂલ્યન શિક્ષણ આપનાર શિક્ષકો તેનાંથી પણ ઉપર છે. તેઓ દ્વારા જ કુમળા બાળકોને સારા સંસ્કાર, સુવિચાર અને શ્રેષ્ઠઆ માનવ બનવાના ઉત્તમ ગુણો મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લો અને તાલુકાના ૯ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા. નેનપુર ગામની પ્રમુખસ્વામી વિનય મંદિરના મદદનીશ શિક્ષક વિપુલભાઇ ડાહ્યાભાઇ પટેલનું મુખ્યનમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ પારિતોષિક સમારોહમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માધ્યમિક અને ઉ.માધ્યમિક વિભાગમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ મહેમદાવાદ તાલુકાના એમ.એન.શાહ હાઇ. માંકવાના કેયુરભાઇ કિરીટકુમાર શાહને આપવામાં આવ્યો‍ હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે જિલ્લા પારિતોષિક એવોર્ડ કઠલાલના વિશ્વપુરા પ્રા. શાળાના શૈલેષભાઇ એમ. પ્રજાપતિ અને નડિયાદ તાલુકાના રઘુનાથપુરા પ્રા.શાળાના ગુલામરસુલ બી.વહોરાને આપવામાં આવ્યા હતા. સીઆરસી/બીઆરસી કેડરમાં જિલ્લા પારિતોષિક માટે મહેમદાવાદ તાલુકાના બીઆરસી કોઓ દિપકકુમાર રમેશચંદ્ર સુથારને આપવામાં આવ્યો હતો. તાલુકા પારિતોષિક એવોર્ડ માટે નડિયાદ તાલુકાની સલુણ ગામની વૈદ્યનો કુવો પ્રા.શાના શિક્ષક સંજયકુમાર જશભાઇ વાઘેલા અને ભુમેલ પ્રા.શાળાના નિલેશકુમાર ખોડાભાઇ બ્રહ્મભટ્ટ, મહેમદાવાદ તાલુકાના હાથનોલી પ્રા.શાળાના સંજયકુમાર રમેશલાલ પટેલ અને વણસોલ સુંઢા પ્રા.શાળાના સંજયકુમાર રાજેશભાઇ સચદેવ તથા ખેડા તાલુકાના વાવડી પ્રા.શાળાના હિરેનકુમાર એચ. શર્માને આપવામાં આવ્યા હતા.