વલસાડ, તા.૧૯  

કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. વલસાડ જિલ્લાની દરેક કચેરીઓમાં કોવિદ-૧૯ ની ગાઇડલાઇનનું ચુસ્‍તપણે પાલન થાય તે જોવાની જવાબદારી કચેરીના અધિકારીની રહેશે. આકસ્‍મિક ચેકિંગમાં કસુરવાર જણાશે તો ડીઝાસ્‍ટર એકટ મુજબ નોટીસ આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળેલી જિલ્લા સંકલન બેઠકમાં જિલ્લા કલેકટર આર.આર. રાવલે જણાવ્‍યું હતું.

આ સંકલન સમિતિના ભાગ-૧ માં વલસાડના ધારાસભ્‍ય ભરતભાઇ પટેલના નંદાવલા અને અટક પારડીમાં વીજ પુરવઠાના પ્રશ્નો અને ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલનો હાલની વાવણીની સમયે ખેતીવાડી વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં આપવામાં આવે તેવા પ્રશ્નો રજૂ કરતા કલેકટર રાવલે પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવવા જરૂરી સુચના આપી હતી.

ભાગ-૨ની બેઠકમાં કોઇ પણ અરજદાર કે નાગરિકના પ્રશ્નો કે કાગળનો સંવેદનશીલ બની ઉત્તર આપવા, કોવિદ-૧૯ મહામારીને ધ્‍યાને લઇ કોઇ પણ અધિકારીને પૂર્વ મંજુરી વિના હેડકવાર્ટર ન છોડવા, આટીઆઇ એકટની સંપૂર્ણ જાણકારી રાખી કાર્યવાહી કરવા, આંતર કચેરીના પ્રશ્નો ચર્ચા વિચારણથી હલ કરવા, નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્‍શન મંજુર કરવા, ખાતાકીય તપાસો ઝડપથી પૂર્ણ કરવા જેવી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ સંકલન બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.એ.રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક શર્મા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા અને કોરોનાની સમીક્ષા કરી હતી.