વડોદરા, તા.૨૪

વડોદરામાં આવકવેરા વિભાગે આજે વહેલી સવારથી જાણીતા બિલ્ડર ગ્રૂપ અને આર્કિટેક્ટને ત્યાં સપાટો બોલાવીને સર્ચની કામગીરી હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઓફિસ અને સાઈટ ધરાવતા બિલ્ડરો તેમજ આર્કિટેક્ટના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધરવામાં આવતાં વડોદરાના અન્ય બિલ્ડર ગ્રૂપમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગની વિવિધ ટીમોએ વડોદરામાં ૩૦થી વધુ જગ્યાએ હાથ ધરેલી સર્ચની કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. મેગા સર્ચ દરમિયાન કરોડો રૂપિયાનું કાળુનાણું બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાને હવે એક મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા ટાર્ગેટ હાંસલ કરવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં જ રાજ્યમાં બહોળી નામના ધરાવતા શિલ્પ, શિવાલિક અને શારદા ગ્રૂપને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરીને એક સપ્તાહ સુધી દરોડાની કામગીરી ચાલ્યા બાદ કરોડોના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો.

ત્યારે આજે વહેલી સવારે આવકવેરા વિભાગની ટીમો વડોદરાના જાણીતા બિલ્ડર ગ્રૂપ દર્શનમ્‌ના સુનીલ અગ્રવાલ, સમૃદ્ધિ ગ્રૂપના મુકેશ અગ્રવાલ, સાંઈરૂચિ ગ્રૂપના ચિરાગ પટેલ, વિહળ ગ્રૂપના કૃણાલ આર્ય અને આર્કિટેક રૂચિર શેઠના ડિઝાઈન સ્ટુુડિયો વગેરે સ્થળે ત્રાટકીને મેગા સર્ચ હાથ ધર્યું હતું.

 આ બિલ્ડર ગ્રૂપ તેમજ તેમના ભાગીદારોની સાઈટો, જૂના પાદરા રોડ, સુભાનપુરા, અલકાપુરી સહિત વિસ્તારોમાં ગ્રીનવુડ અને ગ્રીનફિલ્ડ રહેઠાણના સ્થળે તેમજ આર્કિટેક રૂચિર શેઠની જૂના પાદરા રોડ સ્થિત ઓફિસ સહિત ૩૦થી વધુ સ્થળે આવકવેરા વિભાગની ટીમો વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આવકવેરા વિભાગે પરિવારના તમામના મોબાઈલ લઈ લીધા બાદ સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.સર્ચમાં વડોદરા ઉપરાંત અમદાવાદ, સુરતના અધિકારી અને નડિયાદ, આણંદ, ખેડા પોલીસની મદદ લઈ સર્ચ હાથ ધરાયું હોવાનું તેમજ વહેલી સવારથી શરૂ થયેલું સર્ચ મોડી રાત સુધી ચાલુ રહ્યાનું જાણવા મળે છે. સર્ચની કામગીરીમાં કરોડો રૂપિયાનું કાળુનાણું મળી આવે એવી શક્યતા છે.

જાણકારી હતી એ જૂથોના બદલે અન્ય બિલ્ડરો સામે કાર્યવાહી

સામાન્ય રીતે નાણાકીય વર્ષ પૂરું થવા આવે ત્યારે માર્ચ મહિના સુધીમાં આવકવેરા વિભાગ દરોડાની કાર્યવાહી હાથ ધરતું હોય છે. અત્યંત ગુપ્ત રીતે એનું આયોજન થતું હોય છે. પરંતુ આ વખતે બિલ્ડરોના જૂથોએ કરેલા મોટા સોદાઓને લઈને ત્રણ ગ્રૂપ નજરમાં આવી ગયા હોવાની જાણ બિલ્ડર લૉબીમાં અગાઉથી જ થઈ ગઈ હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે જેની જાણકારી હતી એ જૂથોને બદલે બીજા જ જૂથો ઉપર આજે આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.

બિલ્ડરો આઈટી અધિકારીઓની રાહ જાેતાં બેસી રહ્યા

શહેરના પોશ વિસ્તારમાં આવેલી બહુમાળી બિલ્ડિંગમાં જુદા જુદા ફલોર ઉપર ત્રણ મોટા ગજાના બિલ્ડરો રહે છે. વહેલી સવારે જ બિલ્ડિંગના વોચમેનનો ફોન નીચેથી ત્રણેય બિલ્ડરોને ગયો હતો અને ઈન્કમટેક્સના અધિકારીઓ ઉપર આવી રહ્યા હોવાની જાણકારી આપતાં ત્રણેય બિલ્ડરો સફાળા જાગી જઈને કપડાં વ્યવસ્થિત કરી અધિકારીઓની રાહ જાેઈ રહ્યા હતા. જાે કે, ૩૦ મિનિટ સુધી ડોરબેલ નહીં રણકતાં અંતે બે બિલ્ડરો તપાસ કરવા નીચે ઉતરતાં ત્રીજા બિલ્ડરને ત્યાં આયકર વિભાગના અધિકારીઓ પહોંચ્યા હોવાની જાણકારી મળતાં હાશકારો અનુભવ્યો હતો.

આઈટી વિભાગની બીજા રાઉન્ડની કાર્યવાહી બાકી છે ઃ બીજા જૂથો પણ રડારમાં

માર્ચ મહિના પહેલાં ટાર્ગેટ પૂરો કરવા આયકર વિભાગ સર્ચ અને દરોડાની કાર્યવાહી હાથ ધરે છે. ત્યારે આવતા મહિના સુધીમાં ઈન્કમટેક્સ વિભાગ બીજા રાઉન્ડની કાર્યવાહી તરીકે ફરીથી આયકર વિભાગ રડારમાં આવી ચૂકેલા બિલ્ડર ગ્રૂપને ત્યાં ત્રાટકશે એમ સૂત્રોએ જણાવ્યું છે. જાે કે, ગુરુવારની કાર્યવાહીની જાણ બિલ્ડર લૉબીમાં અગાઉથી થઈ ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે બિલ્ડરો પણ સી.એ.ને ત્યાં આજની કાર્યવાહી બાદ જઈ ઝડપથી હિસાબો સરખા કરવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.