નડિયાદ : નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા આજે ઈપ્કોવાલા હોલ ખાતે યોજાઈ હતી. આ સભામાં ટેક્સ ચોરીના કૌભાંડ મુદ્દે અગાઉ હાહાકાર મચાવનારા સત્તાપક્ષના નેતાઓએ બિલકુલ ચૂપકીદી સાધી હતી. બીજી તરફ વિપક્ષના કાઉન્સિલરોએ પણ મૌન પાળ્યુ હતું. ઉપરાંત પાલિકાની આ સામાન્ય સભા જાણે ચોક્કસ સ્ક્રીપ્ટ પ્રમાણે ચલાવવામાં આવી હોય તેમ ફક્ત મિનિટભરના સમયમાં સભા આટોપી લેવાઈ હતી. તેમાંય ધ્વનિમતથી આખી સભાનો એજન્ડા મંજૂર કરી દેવામાં આવ્યો હોવા છતાં કોઈ પણ કાઉન્સિલર દ્વારા વિરોધ સુદ્ધાં કરાયો નહોતો. આજે નડિયાદ પારસ સર્કલ સ્થિત ઈપ્કોવાલા હોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકાની આ સામાન્ય સભા ૧ મિનિટ ચાલી હતી. પાલિકા પ્રમુખ દિપીકાબેન પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં પ્રમુખે સામાન્ય સભા શરૂ કરવાની હાંકલ કરતાં જ કારોબારી ચેરમેન મનિષભાઈ દેસાઈ દ્વારા રાબેતા મુજબની સભાના એજન્ડાના મુદ્દા નંબર ૧થી ૬ મંજૂર? તેમ ઉચ્ચારણ કરતાં જ ધ્વનિમતથી આ એજન્ડા મંજૂર કરી દેવાયાં હતાં. ઉપરાંત પાલિકાના પ્રમુખ સ્થાનેથી નક્કી કરાયેલાં બે મુદ્દાઓ અંગે પણ ફક્ત શાબ્દિક મુદ્દા શબ્દનું ઉચ્ચારણ કરી બંને એજન્ડા મંજૂર કરી દેવાયાં હતાં. આ પૈકી એક પણ મુદ્દા અંગે ૨ મિનિટ પણ ચર્ચા કરવાનું કાઉન્સિલરોથી માંડી પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી સમિતિના ચેરમેને ટાળ્યુ હતું. બીજીતરફ વિપક્ષના કાઉન્સિલરોએ પણ કોઈ મુદ્દાને લઈ વિરોધ ઊઠાવ્યો ન હતો. આ સામાન્ય સભામાં રજૂ કરાયેલાં ૬ મુદ્દા પૈકી એપ્રિલ-૨૦૨૦થી જૂન-૨૦૨૦ના ત્રિમાસિક હિસાબને મંજૂરી, પાલિકામાં જન્મ મરણનો રેકર્ડ ડિજિટલ કરી લાંબા સમય સુધી ટકી રહે તે માટે ભાવો મગાવવા, કોરાનાકાળ દરમિયાન શાકભાજીની લારી-ફેરિયાવાળાઓ માટે ૩૦૦૦ હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડના ૩૯,૦૦૦ રૂપિયા મંજૂર કરવા, એનયુએલએમ વિભાગ દ્વારા રજૂ કરાયેલાં સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાનને બહાલી આપવા ઉપરાંત શહેરના તૂટેલાં રસ્તાઓ માટે ફાળવાયેલી ૧.૮૦ કરોડની ગ્રાન્ટના આયોજન અંગે ર્નિણય લેવાની બાબતને આવરી લેવામાં આવી હતી. આ ઉપરાંત નડિયાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-૨૦૨૦ અંતર્ગત જરૂરી સાધન-સામગ્રીની ખરીદી કરવા અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થનારાં અંદાજિત ખર્ચ પેટે ૧૦૦ લાખ રૂપિયા મંજૂર કરવાનો ર્નિણય લેવાની બાબત પ્રમુખ સ્થાનેથી રજૂ કરાઈ, તેને પણ ધ્વનિમતથી મંજૂર કરાઈ હતી. 

સુપ્રસિદ્ધ સંતરામ મંદિર માટે ઈપ્કોવાલા હોલના દરવાજા હંમેશા માટે ખુલ્લાં :નગરપાલિકા

આ સામાન્ય સભામાં એકમાત્ર પ્રશંસનીય ર્નિણય લેતાં નગરપાલિકા દ્વારા શહેરના સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓને ધ્યાને લઈ મંદિર પ્રશાસન અને મંદિરના અંતર્ગત આવતી તમામ સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના ઈપ્કોવાલા હોલમાં કરવા દેવામાં આવશે. ધાર્મિક નગરી માટે પાલિકા દ્વારા લેવાયેલો આ ર્નિણય સૌ પ્રજાજનોએ આવકાર્યો છે. આગામી ભવિષ્યમાં હવે સંતરામ મંદિર અને તેનાં સંચાલિત સંસ્થાઓ કોઈ પણ જાતનું ભાડુચૂકવ્યાં વગર નડિયાદ નગરપાલિકાના ઈપ્કોવાલા હોલનો ઉપયોગ કરી શકે તે માટે આ ર્નિણય લેવાયો છે.

ટેક્સ ચોરીનો મુદ્દો હવામાં ઓગલી ગયો કે શું?

છેલ્લાં કેટલાંય દિવસથી નડિયાદ નગરપાલિકામાં કરાયેલાં ટેક્સ ચોરીના કૌભાંડ મુદ્દે ઊહાપોહ મચ્યો હતો. ખુદ સત્તાધારી પક્ષના પ્રમુખપતિ અને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાર્યવાહી કરવાની વાત કરાઈ હતી. જાેકે, આ મુદ્દે જેટલી વાતો કરવામાં આવી હતી, તેનાંથી ૧૦ ટકા પણ કાર્યવાહી દેખાતી નથી. આ સમગ્ર બાબતે પાલિકાના સત્તાધારીઓમાંથી જ મોટી સમિતિઓ સંભાળનારા હોદ્દેદારોના નામ ખુલ્યાં હોય અને સાથે અન્ય કેટલાંય કાઉન્સિલરો પણ શામેલ હોવાની બૂ આવી જતાં આ કૌભાંડ પર પડદો નાખી દેવાની તૈયારીઓ કરી દેવાઈ હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો, જેનાં અનુસંધાને આજની સામાન્ય સભામાં પક્ષ અને વિપક્ષના કોઈ પણ હોદ્દેદાર ટેક્સ ચોરીના મુદ્દા સંદર્ભે મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા.