અમદાવાદ-

સેનિટાઇઝરનો ઉપયોગ અને ફાયદા અંગે હવે નાના છોકરાથી લઈને મોટા દરેકને ખબર છે કે આ મહામારી દરમિયાન સેનિટાઇઝર જ છે જે તમારા હાથને કિટાણું અને વાયરસથી મુક્ત રાખે છે. જાેકે હવે આ સેનિટાઇઝરને પોતાની સાથે રાખવાથી તમારો પોલીસ રેકોર્ડ પણ ચોખ્ખો રહેશે. માટે હવે જ્યારે બીજીવાર તમે ઘરેથી બહાર નીકળો ત્યારે માસ્કની સાથે સાથે સેનિટાઇઝરની બોટલ પણ ભેગી રાખજાે કારણ કે હવે પોલીસ એવા લોકો વિરુદ્ધ ગુનો નોંધી રહી છે જેઓ ઘરેથી સેનિટાઇઝરની બોટલ વગર બહાર નીકળ્યા છે. આ સાંભળીને જરા અજુગતું લાગશે પરંતુ હકીકત આ જ છે. ભલે એવો કોઈ નિયમ નથી કે લોકોએ ઘરેથી બહાર નીકળે ત્યારે સેનિટાઇઝર સાથે રાખવું પરંતુ અમદાવાદ અને ખેડા જિલ્લા પોલીસે કાયદાનો પોતાની મેળે જ અર્થ કાઢ્યો છે અને લોકોને સેનિટાઇઝર ન હોવા માટે દંડવાનું શરું કર્યું છે.

વિરમગામ પોલીસમાં નોંધાયેલા એક કેસની વિગત મુજબ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસે પાણીપુરી વેચતા અજિત પાગી અને હરિઓમ ગુપ્તા પાસે સેનિટાઇઝર ન હોવાથી તેમના વિરુદ્ધ કોરોના ગાઇડલાઇન્સના ભંગ અને મહામારી ફેલાવા માટે ગુનો નોધ્યો હતો. તેવી જ રીતે ખેડા જિલ્લાના માતર તાલુકાના સંધાણા ગામમાં રેસ્ટોરન્ટના માલિક અબ્દુલહલિમ શૈલાને રસ્તા વચ્ચે રોકવામાં આવ્યા અને પોલીસે તેમને સેનેટાઇઝર પોતાની સાથે છે કે નહીં તે અંગે પૂછતા ન હોવાથી તેમને પણ દંડ કરવામાં આવ્યો હતો. જાેકે અમદાવાદ ગ્રામ્ય પોલીસની જેમ તેમની સામે કોરોના નિયમો પ્રત્યે બેદરકારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો નહોતો. પરંતુ કોરોના મહામારી દરમિયાન ભેગા ન થવા અંગેના નિયમ હેઠળ તેમને દંડ કરવામાં આવ્યો હતો. પોલીસના સૂત્રોએ કહ્યું કે મોટાભાગે તેઓ વેપારીઓને જ સેનિટાઈઝર ન હોવા માટે કોરોના સેફ્ટિ નિયમોને તોડવા માટે દંડે છે. કારણે કે તેઓ દિવસમાં ઘણા બધા લોકોને મળે છે ત્યારે આ સંજાેગોમાં તેઓ કોરોનાના સુપર સ્પ્રેડર બની શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કોરોના સેફ્ટી નિયમોના ચુસ્ત પાલન માટે નિયમોને ન પાળતા લોકો સામે આ પ્રકારના ગુના નોંધવામાં આવે છે. જાેકે જ્યારે આ બાબતે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સેનિટાઇઝર ન રાખવા માટે લોકોને દંડ કરવા માટે કોઈ કોયદો હોવા અંગે તેમને કોઈ જાણ નથી.