ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે અગાઉ ૧૪ દિવસ સુધી ફરજિયાત આઈસોલેશનમાં રહેવું વાજબી છે. તેમણે કહ્યું કે આ જ કારણે બીસીસીઆઈને પણ વેસ્ટ ઇન્ડિઝ અને પાકિસ્તાનની માફક મોટી ટીમ મોકલવાની ફરજ પડી શકે છે. પ્રસાદના જણાવ્યા મુજબ આ વર્ષના અંતે યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઓછામાં ઓછા ૨૬ સદસ્યોની મજબૂત ટીમ મોકલવામાં આવે તો લાભદાયક રહેશે, જ્યાં ભારત અને ભારતીય-એ ટીમોને એક મહિના માટે સાથે રાખી શકાય છે.

ઇંગ્લેન્ડમાં કોવિડ-૧૯ પ્રોટોકોલને અનુસરવા માટે પાકિસ્તાને ૨૯ ખેલાડીઓ (વન-ડે ટીમ સહિત)ની ટીમ બનાવીને મોકલી હતી અને વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં પણ ૨૬ ખેલાડીઓ છે. ફેબ્રુઆરી સુધી સિલેક્શન કમિટીના વડા રહી ચૂકેલા પ્રસાદે કહ્યું હતું કે 'ટીમ મેનેજમેન્ટ અને સિનિયર ખેલાડીઓને યુવાનોને જોવાની તક મળશે જેઓ ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરવા સજ્જ છે.'

તેમણે કહ્યું, 'આ પ્રક્રિયામાં તમે એવા ખેલાડીઓ પર નિરીક્ષણ કરી શકશો કે જે ભવિષ્યમાં અલગ અલગ સ્થાનો માટે સંભવિત ખેલાડીઓ હોઈ શકે છે.'૨૬ ખેલાડીઓની આ ટીમ સુનિશ્ચિત કરી શકાશે કે ભારતને બે જૂથોમાં વહેંચી શકાય અને આઈસોલેશન દરમિયાન પ્રેક્ટિસ મેચ પણ રમી શકાય છે.