ગાંધીનગર, આઠ મહિનાની મથામણ કર્યા પછી ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળી ગયા છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે આજે સત્તાવાર રીતે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ માટે પક્ષના અનેક ટોચના નેતાઓ દાવેદાર હતા. જાે કે, દિલ્હીના મોવડીમંડળમાં પ્રદેશ પ્રમુખના નામ માટે આઠ મહિના સુધી ભારે મનોમંથન અને ગડમથલ ચાલી હતી. ત્યાર બાદ આખરે આજે ગુજરાત કોંગ્રેસના નવા સુકાની એટલે કે, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામા આવી હતી. ગુજરાતની ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજય બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ગુજરાતના નવા પ્રમુખ નામ માટે કોંગ્રેસના આગેવાનોમાં ભારે આંતરિક રસાકસી થઇ હતી. ત્યાર બાદ ગઈકાલે કોંગ્રેસના દિલ્હી મોવડી મંડળ દ્વારા પૂર્વ સાંસદ અને ઠાકોર સમાજના અગ્રણી એવા જગદીશ ઠાકોરના નામ ઉપર મહોર મારવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, દિલ્હી મોવડીમંડળની ગુજરાતના પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામની પહેલી પસંદગી હતી. પરંતુ ગુજરાત કોંગ્રેસના જ કેટલાક સિનિયર નેતાઓ દ્વારા હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે દિલ્હી મોવડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ માટે અનેક નામો ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ સાથે અનેક દાવેદારોએ પોતાના નામો માટે લોબિંગ પણ કરાવ્યું હતું. આ માટે કેટલાક નેતાઓ તો છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ પદ મળે તે માટે દિલ્હીના અનેકવાર આંટાફેરા પણ મારી આવ્યા હતા. દિલ્હીના મોવડીમંડળ દ્વારા ઝડપથી કોઈના નામ ઉપર ર્નિણય લેવાયો ન હતો. આખરે આઠ મહિનાઓના લાંબા સમય સુધી મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો હતો. જેનો ગઈકાલે દિલ્હી ખાતે ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની રાહુલ ગાંધી અને વેણુગોપાલ સાથે યોજાયેલી બેઠક બાદ અંત આવ્યો હતો.