જયપુર, તા.૫ 

રાજસ્થાનના જયપુરમાં વધુ એક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. જયપુરમાં હાલ ૩૦ હજાર દર્શકોની ક્ષમતા ધરાવતુ સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે, પરંતુ હવે રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન તરફથી શહેરવાસીઓને વધુ એક વિશાળ સ્ટેડિયમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સ્ટેડિયમ માટેની ડિઝાઈન ફાઈનલ કરી દેવામાં આવી છે. આ સ્ટેડિયમથી જયપુર શહેર જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓના ક્રિકેટરોને પણ લાભ મળશે. જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે પણ એક મોટા સ્ટેડિયમનો વિકલ્પ રહેશે.

હકીકતમાં રાજસ્થાનની રાજધાની જયપુરમાં વિશ્વનું ત્રીજુ સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજસ્થાન ક્રિકેટ સંઘ ૧૦૦ એકર જમીનમાં લગભગ ૩૫૦ કરોડના ખર્ચે આ સ્ટેડિયમ બનાવશે. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા ભારતના હાલના સ્ટેડિયમોમાં સૌથી વધુ હશે, પરંતુ ગુજરાતના અમદાવાદમાં તૈયાર થયેલા એક લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમ કરતાં ઓછી હશે. રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનનું આ સ્ટેડિયમ ૭૫ હજાર લોકોને બેસવાની ક્ષમતા પૂરી પાડશે. એવામાં દર્શકોની ક્ષમતાના હિસાબે આ સ્ટેડિયમ વિશ્વનું ત્રીજું અને ભારતનું બીજુ મોટુ સ્ટેડિયમ હશે. વિશ્વનું સૌથી મોટુ સ્ટેડિયમ અમદાવાદના મોટેરામાં તૈયાર થઈ ગયું છે. જ્યારે ઓસ્ટ્રેલિટાના મેલબોર્માં આવેલા સ્ટેડિયમ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. જણાવી દઈએ કે, અમદાવાદમાં બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમમાં ૧,૧૦,૦૦૦ જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટેડિયમમાં ૧,૦૨,૦૦૦ લોકોના બેસવાની ક્ષમતા છે.