શ્રીનગર-

જમ્મુ કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયત્ન સતત ચાલુ જ છે. ભારતીય સુરક્ષા દળોએ ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ બનાવી દીધો છે. સુરક્ષા દળોએ આ દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. 

પોલીસના કહેવા પ્રમાણે ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા ખાતે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. વહેલી સવારે ટીએમજી સેક્ટરમાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયત્નને અસફળ બનાવવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ જ છે. 

હકીકતે શનિવારે સવારે બારામુલાના નૌગામ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સંદિગ્ધ હરકત નોંધાઈ હતી અને સેનાએ તાત્કાલિક એક્શન લઈને બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા બંને આતંકવાદી પાસેથી બે એકે-47 અને યુદ્ધમાં વપરાતા અન્ય હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.

આ પહેલા 1 જુલાઈએ પણ સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકીઓની ઘૂસણખોરીની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ આતંકીઓને એલઓસીમાં ઘૂસણખોરી કરતા જોયા હતા. જો કે, એલઓસી પર તૈનાત સુરક્ષા દળોએ આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ કરી એક આતંકી ઠાર માર્યો હતો.