જમ્મુ

જમ્મુ વિભાગના અખનૂર સેક્ટરમાં બુધવારે મોડી રાત્રે આતંકવાદીઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે. વિસ્તારના લોકોએ આ વિસ્તારમાં ત્રણથી ચાર આતંકવાદીઓ જોયા છે. આ વાતની પુષ્ટિ અધિકારીએ કરી છે. વિસ્તારમાં હાઇ એલર્ટ છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પંચો અને સરપંચોને જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ બુધવારે વહેલી સવારે જમ્મુ એરફોર્સ સ્ટેશન નજીક સિવિલિયન એરપોર્ટ ઉપર બે ડ્રોન નજરે પડ્યા બાદ સુરક્ષા જવાનોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. રડારમાં બે વાર ડ્રોન મળી આવ્યું હતું. ઘણા સ્થળોએ સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યાં હતાં. પોલીસ અને સેનાએ એનએસજી સાથે મળીને આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું હતું, પરંતુ ડ્રોનનો પત્તો મળી શક્યો ન હતો.