જામનગર-

ACBએ જામનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો પ્રાદેશિક અધિકારી(હાલ ફરજ મોકૂફ) ભાયા ગીગા સૂત્રેજા રૂપિયા પાંચ લાખની રોકડ રકમ સાથે ઝડપી લેતા ભ્રષ્ટ બાબુઓમાં સોંપો પડી ગયો હતો. ત્યાર બાદ તેની સામે ગુનો દાખલ થયો હતો. આ ગુના હેઠળ આરોપી પાસેથી સર્ચ દરમિયાન રૂપિયા 5 લાખ 19 હજાર 613 રોકડા મળી આવ્યા હતા. જ્યારે તેના ઘરની ઝડપી દરમિયાન રૂ.5 લાખ રોકડા તથા રૂ.80 હજારની કિંમતની સોનાની 10 ગ્રામની બે લગડી મળી હતી. આ બાબતે આરોપીએ સચોટ ખુલાસો કર્યો ન હોવાથી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અને તેના પરિવારજનોના નામે કુલ 5 કરોડથી વધુની મિલકતો અને રોકડ મળી આવી છે.

બે બેન્ક લોકરમાંથી 2 કિલો સોનાના દાગીના અને 55 લાખ રોકડા મળ્યા આ કેસની તપાસ દરમિયાન આરોપીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેક્ટર-21ના બે લોકરમાંથી કુલ રૂ.55 લાખ 69 હજાર 500 રોકડા તથા સોનાના દાગીના અને સોનાની લગડી મળીને કુલ 72 લાખ 22 હજાર 579ની કિંમતનું 1920.440 ગ્રામ સોનુ મળી આવ્યું છે. તેની સાથે સાથે 3,795ની કિંમતની 115 ગ્રામની ચાંદીની લગડી પણ મળી છે. આ તમામ મુદ્દામાલની કિંમત રૂ. 1 કરોડ 27 લાખ 95 હજાર અને 874 જેટલી થાય છે. 

જૂનાગઢ-પોરબંદરમાં 6-6 અને ગાંધીનગરમાં 13 મિલકતો જ્યારે આરોપી અને તેના પત્ની તથા દીકરીના નામે ગાંધીનગર જિલ્લામાં કુલ 13 મિલકતો, જ્યારે પોરબંદરમાં 6 મિલકતો અને જૂનાગઢમાં 6 મિલકતો મળી કુલ 25 મિલકતો હોવાનો ખુલાસો થયો છે. જેમાં આરોપીએ આ મિલકતો પાછળ કુલ રૂ.3 કરોડ 73 લાખ 671ના દસ્તાવેજ કર્યા છે. 

કોર્ટે જામીન ફગાવ્યા આ ગુના હેઠળ આરોપીએ સ્પેશિયલ ACB કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. પરંતુ આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવી હતી. જેથી આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી. બાદમાં આરોપીએ ACB કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે નામંજૂર કરવામાં આવી હતી. 

શું છે મામલો ગત જુલાઈમાં ACBને બાતમી મળી હતી કે, જામનગર પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભાયા ગીગા સૂત્રેજા નિયમિત રીતે લાંચ લે છે અને દર શનિ-રવિની રજામાં મોટી રોકડ લઈને ગાંધીનગરના તેને નિવાસસ્થાને આવે છે. ACBની ટીમ સતત એક મહિનાથી વોચમાં હતી. બી.જી.સુત્રેજા તુલસી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ-3BW-811માં બેસીને ગાંધીનગર તેના નિવાસ્થાને આવી રહ્યો હોવાનું જાણ્યા બાદ વોચ ગોઠવી હતી. આ લક્ઝરી બસ ચ-5 સર્કલ પાસે આવી હતી.જેમાંથી પ્રાદેશિક અધિકારી બી.જી. સુત્રેજા એક બ્રિફકેસ લઈને નીચે ઊતર્યો હતો. આ ઉપરાંત તેણે લક્ઝરી બસની ડીકીમાંથી એક બીજી એક મોટી બેગ લીધી હતી. જે બેગ લઇને તે બાજુમાં ઊભેલી સફેદ કલરની હોન્ડા અમેઝ કાર નંબર GJ-18-BG-1757માં બેસવા જતો હતો ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર એક મહિલા લઈને આવી હતી. ACBએ તેની પાસેની બ્રિફકેસ ખોલી તપાસ કરી હતી. જેમાંથી ઓફિસને લગતા કાગળો ઉપરાંત 4.91 લાખ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસેથી 17,800 રોકડા મળી આવ્યા હતા.