જામનગર-

જામનગરમાં એલસીબી પોલીસે હાલાર હાઉસ પાસે દરોડો પાડી એક શખ્સને દેશી પિસ્તોલ અને એક કાર્તિસ સાથે પકડી પાડયો છે. જુનાગઢમાં મજુરી કામ કરતા આ શખ્સને જુલાઇ માસના ગાળા દરમ્યાન જામનગરના બિલ્ડર ગીરીશ ડેમ પર ફાયરીંગ કરનાર શખ્સે આ હથિયાર પુરૂ પાડયુ હોવાની વિગતો સામે આવી છે. પોલીસે હથિયાર કબ્જે કરી આરોપીના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

જામનગરમાં એલસીબી પોલીસે વધુ એક હથિયાર સાથે પરપ્રાંતિય શખ્સને પકડી પાડયો છે. ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે શહેરના વિકટોરીયા પુલ પાસે આવેલા હાલાર હાઉસ સામેના રોડ પર એક શખ્સ દેશી હથિયાર સાથે ઉભો હોવાની એલસીબી પોલીસને ચોક્કસ હક્કિત મળી હતી. આ હક્કિતના આધારે સમગ્ર સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા અરૂણ સુધીભાઇ યાદવ રહે. મુળ.ઉત્તર પ્રદેશ રાજયના આજમગઢ જિલ્લાના લાલગંજ તાલુકાના ચીલવિલા ગામના શખ્સને પોલીસે આંતરી લીધો હતો. આ શખ્સની તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા.25 હજારની કિંમતની એક દેશી પિસ્તોલ અને એક જીવંત કાર્તિસ મળી આવ્યો હતો. પોલીસે હથિયાર અને કાર્તિસ કબ્જે કરી આરોપીની પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં આ હથિયાર જુલાઇ માસના ગાળા દરમ્યાન જામનગરમાં લાલપુર બાયપાસ પાસેની સોસાયટીમાં બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરીંગ કરનાર હિતેષ ઉર્ફે હિતેષસિંહ ઉર્ફે હિતુભા ભગતસિંહ ઝાલા રહે.વાસાવડ તા.સુત્રાપાડા જિ.ગીર સોમનાથવાળાએ પુરૂ પાડયું હોવાની કબુલાત કરી હતી. જેના આધારે પોલીસે આ શખ્સ વિધિવત પુછપરછ કરવા માટે કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.