જામનગર-

હાલ જામનગરમાં ફેલાઈ રહેલા સંક્રમણને પરિણામે જામનગરની ૭૦૦ બેડની ડેડીકેટેડ કોવિડ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ છે. કોરોના મહામારી સામે લડત આપવા તંત્ર સતત અનેક નવતર અભિગમ દાખવીને દર્દી અને તેમના પરિજનોને અનેક સુવિધાઓ પ્રાપ્ય કરાવી રહ્યું છે.

આ મહામારીમાં દર્દીના પરિવારજનો હોસ્પિટલમાં રહી તેમની સારસંભાળ કરી શકે તેમ ન હોવાથી દર્દીઓને પરિજનોથી દૂર થવાનો ભય સતાવી રહ્યો હોય છે. આ સમયે દાખલ થયેલ દર્દીની પરિસ્થિતિ વિશે પરિવારને પણ અનેક મૂંઝવણ અનુભવાતી હોય છે. ત્યારે આ રોગમાં દર્દી અને પરિજનોની વચ્ચે સેતુ રૂપ બન્યું છે, જામનગરની જી.જી.હોસ્પિટલનું સહાયક કેન્દ્ર. હું તમારી શું મદદ કરી શકું? આ વાકય સાથે જ દર્દીના પરિજનોને અનુભવાતી અનેક મૂંઝવણના જવાબ મળી જાય છે. જામનગર જી.જી હોસ્પિટલ ખાતે કાર્યરત હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીઓને તેમના પરિજનો સાથે વિડીયોકોલ મારફતે વાત કરાવાય છે. આ વિડીયોકોલ સમયે પરિજનો તેમના દાખલ થયેલ પરિવારજનની તબિયત વિષે અને તેમની આરોગ્યની સ્થિતિ વિશે રૂબરૂની જેમ જ પૃચ્છા કરી શકે છે. જે દર્દી બાયપેપ કે વેન્ટીલેટર પર હોય અને પોતે બોલી શકે તેમ ન હોય તેવા દર્દીને તેમના પરિજનોની સાથે વિડીયોકોલ મારફતે તેમની સ્થિતિ દેખાડવામાં આવે છે. સાથે જ દર્દી સહાયક મારફત પરિવારજન તેમની સ્થિતિ વિશે વાત-ચીત કરી વધુ જાણકારી મેળવી શકે છે. 

જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા અનેક દર્દીઓને તેમના પરિવાર સાથે વાત કરીને તેમને માનસિક સધિયારો પણ આપવામાં આવે છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા પ્રારંભના સમયમાં કાઉન્સિલર દ્વારા માત્ર ઓડિયો કોલ અને વિડીયોકોલ મારફત કાઉન્સેલિંગ કરવામાં આવતું હતું. હાલમાં દર્દીઓની મનોસ્થિતિને લક્ષમાં લઇ હવે કાઉન્સેલરો દ્વારા તેમને રૂબરૂ મળીને પણ કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું છે. જી. જી. હોસ્પિટલમાં દસ દિવસથી દાખલ વૃદ્ઘ પિતા સાથે વાત કરી હેલ્પ ડેસ્કની સુવિધાથી સંતોષ દર્શાવતા રમેશભાઈ કહે છે કે,હેલ્પ ડેસ્ક દ્વારા દિવસમાં બે વખત સવારે ૧૦ થી ૧ અને બપોરે ૪ થી ૭ દરમિયાન અમને અમારા પિતા સાથે વિડિયો કોલ મારફત વાત કરાવવામાં આવે છે. મારા પિતા હાલ બાયપેપ પર છે તેથી તેઓ બોલી શકતા નથી પરંતુ દર્દી સહાયકો મારફત તેમની સ્થિતિ અંગે અમને પૂરતી જાણકારી આપવામાં આવે છે. તેઓ વ્યવસ્થિત જમી શકે છે, રહી શકે છે તે બાબતની નાની નાની બાબતની પણ કાળજી લઇ અમને જણાવવામાં આવે છે. હાલ મારા પિતાની તબિયત સારી છે. આ હેલ્પ ડેસ્ક દ્વારા અમને ખૂબ સારી રીતે અમારા પિતા સાથે સંપર્ક કરાવી આપવામાં આવે છે.