વડોદરા, તા.૧૩

રાજ્યમાં વરસાદે કહેર વરસાવ્યો છે. આ કહેરમાં રાજયના ઘણાં શહેરો પૂરની ઝપટમાં આવ્યા છે.તેવા સમયે જામનગરમાં પૂરની સ્થિતિને જાેતા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે વ્યાપક બચાવ કામગીરી હાથ ધરી છે, જેમાં વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફની બટાલિયન ૬ની ટુકડી બચાવ રાહત કામગીરીમાં જાેતરાઇ છે.જામનગર જિલ્લાના કાલાવાડ અને જામનગર તાલુકામાં ગત રાત્રિએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના અનેક ગામોમાં જળની સ્થિતિ સર્જાતાં સેંકડો લોકો ફસાયા છે. ગામમાંથી બહાર નીકળવાના રસ્તા પર જ પાણી ફરી વળતાં લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે એરફોર્સ, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડની ટીમો કામે લાગી છે. સાથે વડોદરાના જરોદ સ્થિત એનડીઆરએફની ટીમ પણ કામે લાગી ગઇ છે. વડોદરા ખાતેના એનડીઆરએફના જનસંપર્ક પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે વડોદરાની ટુકડીના જવાનો કાલાવડ તાલુકાના પંજેતનનગરમાં સ્થાનિક તંત્રની સાથે પૂરમાં ફસાયેલા લોકોઓને ઉગારવાની કામગીરી કરી રહી છે. આ ટુકડીના જવાનોએ ૧૩ મહિલાઓ, ૧૧ પુરુષો અને ૭ બાળકો મળી ૩૧ લોકોને કાલાવડી નદીના પૂરમાંથી ઉગારીને સલામત સ્થળે ખસેડ્યા છે.