આણંદ,તા.૭  

હજુ અઠવાડિયા પહેલાં જ ભાજપમાંથી આખી ટીમ સાથે કોંગ્રેસમાં જાેડાયેલાં મધ્ય ગુજરાતના સોશિયલ મીડિયા ઝોનલ એક્ઝિક્યૂટિવ કમિટીના સભ્ય જશપાલસિંહ ઠાકોરે પોતાના હોદ્દાપરથી રાજીનામું આપ્યું હોવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. જાેકે, હજુ સુધી આ રાજીનામા બાબતે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ વિશે જશપાલસિંહ ઠાકોરનો મોબાઇલ ફોન પર સંપર્ક સાધતા તેઓએ કોઈ પ્રત્યુત્તર આપ્યો ન હતો. રોંગ નંબર હોવાનું કહી ફોન બંધ કર્યો હતો.

અગાઉ આણંદ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આઇટી સેલના પ્રવક્તા જશપાલસિંહ ઠાકોર તેમના આઇટી સેલના અંદાજિત ૨૫ જેટલાં ટેકેદારો સાથે ગત તા.૨૯મી જુલાઈના રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે મધ્ય ગુજરાત કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં જાેડાયાં હતાં,

જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમમાં જસપાલસિંહ ઠાકોરને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં મધ્ય ગુજરાત ઝોનલ એક્ઝિક્યૂટિવ કમિટીમાં સભ્ય તરીકેની નિમણૂક આપવામાં આવી હતી. આજે સોશિયલ મીડિયામાં જશપાલસિંહ ઠાકોરની એક પોસ્ટ વાયરલ થઈ છે. પોસ્ટમાં જણાવાયાં મુજબ, હું જશપાલસિંહ ઠાકોર મારી નિમણૂક આણંદ કોંગ્રેસમાં મધ્ય ગુજરાત ઝોનલ કમિટીમાં સોશિયલ મીડિયામાં થયેલ, જે હું મારાં અંગત કારણોસર હોદ્દા પરથી સ્વૈચ્છાએ રાજીનામું મૂકું છું.

ખરેખર રાજીનામાની પોસ્ટ કોણે મૂકી?

ખરેખર સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ જશપાલસિંહે મૂકી છે કે પછી અન્ય દ્વારા મુકાઈ છે તે પ્રશ્ને હાલ ચર્ચાનો વિષય બન્યો છે. શહેર કોંગ્રેસના કેટલાક પદાધિકારીઓએ પણ આ મામલે ચૂપકીદી સેવી લીધી હતી.

જશપાલસિંહ ઠાકોરને હું ઓળખતો નથી : કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ

કોંગ્રેસ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના મધ્ય ગુજરાત ઝોનલ એક્ઝિક્યૂટિવ કમિટીમાં સભ્યપદેથી જશપાલસિંહ ઠાકોરે રાજીનામું આપ્યું છે કે કેમ? તે બાબતે કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અંકિત પઢિયારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હું જશપાલસિંહ ઠાકોરને ઓળખતો નથી. ક્યારે તેઓ કોંગ્રેસમાં જાેડાયાં તેની પણ મને ખબર નથી! આવું કહી અજાણતાં દર્શાવી હતી.