મુંબઈ-

વિશ્વ હિંદુ પરિષદના જાેઈન્ટ સેક્રેટરી શ્રીરાજ નાયરે જાવેદ અખ્તરની ટીકા કરતા સવાલ પૂછયો હતો કે જાવેદ અખ્તરે કદી પણ આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોને પોતાની સાથે એકે-૪૭ સાથે ફરતા જાેયા છે ખરા? નાયરે જણાવ્યું કે હિંદુત્વમાં માનનારા મહિલાઓનું સન્માન કરે છે, તાલિબાનની જેમ ઘેર ઘેર જઈને સ્ત્રીઓના અપહરણ નથી કરતા. હિંદુત્વમાં માનનારા મહિલાઓને વસ્તુ તરીકે નથી ગણતા. નાયરે જણાવ્યું કે અખ્તરે તાલિબાનની ટીકા એક નિવેદનથી કરી પણ પછી સંતુલન જાળવવા તેની સરખામણી હિંદુવાદી જૂથો સાથે કરી નાખી. નાયરે અખ્તર સહિત મુસ્લિમ બુદ્ધિજીવીઓની દંભી વૃત્તિની ટીકા કરતા કહ્યું કે આવા લોકો પશ્ચિમની સભ્યતાનો વિરોધ તો કરે છે પણ પોતાના સંતાનોને પશ્ચિમમાં જ અભ્યાસ કરવા મોકલે છે. આવા અગ્રણીઓ જ મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરે છે. તેઓ અહીંની બહુમતિની ટીકા તો કરે છે પણ અફઘાનિસ્તાન જેવા ઈસ્લામિક રાષ્ટ્રોમાં જઈને રહેવાની તેમની હિંમત નથી. નાયરે અખ્તરને દંભી અને માનસિક સંતુલન ખોઈ બેઠેલા નિવૃત્ત વ્યાવસાયિક ગણાવ્યા હતા.જાવેદ અખ્તરે તાલિબાનના આગમનને આવકારનાર મુસ્લિમોની ટીકા કરતા તાલિબાન અને આરએસએસ તેમજ અન્ય હિંદુવાદી જૂથોની વિચારસરણી વચ્ચે સમાનતા હોવાનું જણાવ્યું હતું. અલબત્ત તેમના નિવદેનનો તમામ હિંદુવાદી જૂથો તેમજ શિવસેનાએ પણ વિરોધ કર્યો છે. જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તમામ જમણેરી જૂથોની વિચારસરણી એકસમાન હોય છે. તેમણે આરએસએસ, બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોની સરખામણી તાલિબાન સાથે કરી હતી. શિવસેનાએ અખ્તરના નિવેદનનો વિરોધ કરતા જણાવ્યું છે કે આરએસએસ રાષ્ટ્ર નિર્માણમાં માને છે. તેની તાલિબાન સાથે સરખામણી યોગ્ય નથી.