વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીઓની મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે.એમ એમ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને મતદારોના મિજાજનો સ્વાદ કયાંક ક્યાંક ચાખવા મળે છે.

શહેરના તમામે તમામ પાલિકાના ૧૯ ઈલેક્શન વોર્ડમાં રોજે રોજ કોઈને કોઈ જગ્યાએ જાકારો અને આવકાર જેવી કહી ખુશી કહી ગમ જેવી ઘટનાઓ રોજિંદી બની જવા પામી છે. ભૂતકાળમાં વિપક્ષના પૂર્વ કાઉન્સિલર સાથે માથાકૂટ થતા નજીવી બાબતમાં જાહેરમાં લેંઘો ઉતારીને વિવાદમાં આવેલા ભાજપના પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ-૧૮ના ભાજપના રિપીટ કરાયેલા ઉમેદવાર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને અલ્વાનાકા કોતર તલાવડી વિસ્તારમાં આક્રોશે ભરાયેલા મતદારોએ ઢોલ નગારા સાથે ઉભી પૂંછડિયે

ભગાડ્યા હતા.

જેને લઈને ચાલવાને બદલે દોડતા ત્યાંથી નીકળી જવાનો વારો આવ્યો હતો.આમ મતદારોના ભારે વિરોધ અને ઉગ્ર આક્રોશનું નિશાન બનેલા ભાજપના ઉમેદવાર જય રણછોડને વાસ્તવમાં મતદારો વચ્ચેથી મત માંગવાને બદલે રણ છોડીને ઉભી પૂંછડિયે ભાગવાનો વારો આવ્યો હતો. સવારના સમયે બનેલી આ ઘટના માત્ર ઉમેદવારના પક્ષમાં જ નહિ પરંતુ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામી હતી. આને લઈને પ્રચારમાં નીકળેલા ઉમેદવારોમાં ભયની લાગણી જાેવા મળી રહી છે.ગમે તે વ્યક્તિ સાથે તોછડું અને ઉતારી પાડતું વર્તન કરનારા કેટલાક હવામાં ઉડતા ઉમેદવારોને માટે આ ઘટના પદાર્થપાઠ સમાન બની રહેવા પામી છે.શહેરના એવા કેટલાય વિસ્તાર છે.જ્યા આવી અત્યંત ભૂંડી રીતે ઉમેદવારોને મતદારો જાકારો આપી રહ્યા છે. જે જાહેરમાં લેંઘો ઉતારનારને પણ પુનઃ એમ, કરવાને બદલે આક્રોશને ગળી જઈને ત્યાંથી ચાલતી પકડવી પડી છે.