સુરત-

કોરોના મહામારીમાં લોકડાઉન પછી બેરોજગાર થયેલા સુરતના રત્ન કલાકારો આર્થિક ભીંસના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે જેના કારણે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે.  સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખે આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત રત્ન કલાકાર સંઘના જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને પોતાનુ જીવન ટુકાવ્યું છે. આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. કઠોરમાં તાપી નદી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. તેઓના આપઘાતને લઈને બરાબરનું રહસ્ય ઘેરાયું છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેવાની વાત કરી હતી. ત્યારબાદ અચાનક સુરતના કામરેજની તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. રાત્રે તેઓનો ફોન પર સંપર્ક ન થઈ શકતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન તેમનું બાઈક કામરેજના કઠોર બ્રિજ પાસેથી મળી આવ્યું હતું. જે બાદમાં નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જયસુખ ગજેરા સુરતના રત્નકલાકારો માટે લડતા રહ્યા છે. રત્નકલાકારોમાં કોરોના વકરતા તેઓએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પણ લખ્યો હતો.