વડોદરા : દેશની આઈઆઈટી સહિતની ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે ૧ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન લેવાયેલી જેઈઈ મેઈન પરીક્ષા બાદ માત્ર ૮ દિવસમાં જાહેર થયેલા પરિણામમાં વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગ ચઢ્ઢાએ ૧૦૦માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવીને ગુજરાતમાંથી પ્રથમ અને સમગ્ર ભારતમાં બીજા ક્રમે રહીને ઈતિહાસ સર્જયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ૧થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન કોવિડ-૧૯ની ગાઇડલાઇન સાથે શહેરના વિવિધ ૪ કેન્દ્રોમાં જેઈઈ મેઇનની પરીક્ષાઓ લેવામાં આવી હતી. આ પરીક્ષાને પૂર્ણ થયાના માત્ર ૮ દિવસોમાં જ આજે પરિણામ જાહેર કરી દેવાયા છે. વડોદરાના કેન્દ્રો ખાતે શહેર-જિલ્લામાંથી અને આસપાસમાંથી અંદાજિત ૧૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી ૩૨૭ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ક્લિયર કરી છે પરંતુ શહેર માટે ગૌરવની વાત એ છે કે, નવરચના સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગ ચઢ્ઢાએ આ પરીક્ષામાં કુલ ૧૦૦માંથી ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવીને રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજો ક્રમાંક મેળવ્યો છે. સમગ્ર દેશમાંથી માત્ર ૨૪ વિદ્યાર્થીઓ એવા હતા કે જેમણે પુરા ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા હોય. જેમાંથી નિસર્ગનો બીજો ક્રમાંક આવ્યો હતો. બધા જ ક્ષેત્રોમાં નિપુણ એવા વિદ્યાર્થી નિસર્ગ ચઢ્ઢાએ નવરચના સ્કૂલમાં નર્સરીથી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે આજે ફક્ત નવરચના સ્કુલ કે ફક્ત વડોદરા ને જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. જ્યારે શ્રેયસ વિદ્યાલયના વિદ્યાર્થી મૌલિનરાજ પરમારે જેઈઈ મેઈનની એક્ઝામમાં ૯૯.૯૮ પર્સેન્ટાઈલ મેળવીને વડોદરામાં દ્વિતીય અને સમગ્ર દેશમાં ૧૭૧મોં ક્રમાંક હાંસલ કર્યો છે.