દરેક ઋતુની એક આગવી ઓળખ છે - અને એની એ આગવી ઓળખના આગવા પરિમાણો છે. ઋતુરાજ વસંત એટલે વાયરાની લહેરખીમાં લચી પડેલાં વૃક્ષો પર કેસૂડાઓનું ટોળબંધ ઝુમખું, કોયલનાં મીઠાં ટહુકાઓ વચ્ચે આંબાના મ્હોરનું મધમીઠી કેરીઓમાં પરિવર્તિત થવું, ખાટામીઠા બરફના ગોળા, ઘૂંટડે ઘૂંટડે તૃપ્તિ આપતાં શેરડીના રસના ઝાકળમઢયા ટાઢાબોળ ગ્લાસ, થપથપાવીને પારખ્યા પછી કાપેલા તરબૂચના લાલ-લાલ ચોસલાઓમાંથી ઝાંખતો મધમીઠો સ્વાદ અને લીલીછમ્મ હોવા છતાં હૈયાને ટાઢક આપતી ખટમધુરી દ્રાક્ષના ઝૂમખા. એક-એકથી ચઢિયાતા સાજીંદાઓના સાંનિધ્યે જામેલી આ જુગલબંધી રસિકોને રસતરબોળ ન કરે તો જ નવાઈ!