દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, તો બીજી તરફ ડેલ્ટા વેરિયન્ટના કારણે ખતરો વધી રહ્યો છે અને ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોનાને રોકવા માટે વેક્સિનેશનને ઝડપી બનાવવું જરૂરી છે, પરંતુ ફરી એકવાર રસીકરણનું કામ ધીમું થયું છે. આ મુદ્દાને લઇને કાૅંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. શુક્રવારના રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને લખ્યું કે, ‘જુલાઈ આવી ગઈ છે, વેક્સિન નથી આવી.’

રાહુલ ગાંધીના આ ટ્‌વીટનો કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને જવાબ આપ્યો છે. ડૉ. હર્ષવર્ધને ટ્‌વીટ કર્યું કે, ગઈકાલે જ મેં જુલાઈ વિશે વેક્સિનના આંકડા રાખ્યા હતા. રાહુલ ગાંધીની શું મુશ્કેલી છે? શું તેઓ વાંચતા નથી? ડૉ. હર્ષવર્ધને લખ્યું કે, ‘અહંકાર અને અજ્ઞાનતાની કોઈ વેક્સિન નથી. કાૅંગ્રેસે પોતાના નેતૃત્વ વિશે વિચારવું જાેઇએ.’ રાહુલ ગાંધીના ટ્‌વીટ પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, રાહુલ ગાંધી પાસે તથ્યોની કમી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની વેક્સિન નીતિ પર પ્રશ્નો કરી રહ્યા છે. રાહુલ ગાંધી તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જલદીથી જલદી મોટી સંખ્યામાં રસીકરણ કરવું જાેઇએ, જેથી ઓછા સમયમાં વધારે લોકોને વેક્સિન લાગે અને સુરક્ષા મળી શકે. યોગ દિવસના દિવસે દેશમાં એક જ દિવસમાં લગભગ ૯૦ લાખ વેક્સિન ડોઝ લગાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેની આસપાસ પણ વેક્સિન નથી થયું. કેટલાક દિવસ સુધી જરૂર ૫૦ લાખથી વધારે ડોઝ લાગ્યા, પરંતુ છેલ્લા ૩-૪ દિવસથી ફરી ૨૦થી ૪૦ લાખની વચ્ચે વેક્સિનેશન રોકાઈ ગયું છે.