વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના કેસોની સાથે સાથે મ્યુકોરમાઈકોસિસના કેસો પણ વધી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સયાજી હોસ્પિટલમાં આજે વધુ બે દર્દીઓ મ્યુકોરમાઈકોસિસની અસર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે દર્દીઓની કુલ સંખ્યા ૯૫ ઉપર પહોંચી હતી, જ્યારે આજે ૧૦ દર્દીઓનો ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં બે દર્દીઓને આંખો ઉપર ગંભીર અસર થવાથી ઓપરેશન કરી આંખોને કાઢી લેવામાં આવી હતી. અન્ય દર્દીઓને સામાન્ય એનેસ્થેસિયા આપી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના દર્દીઓ સાથે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો પૈકી શહેરની સયાજી હોસ્પિટલમાં જ હાલ તબક્કે ૯૫ દર્દીઓ સારવાર હેઠળ દાખલ થયા છે. આજે વધુ ચાર દર્દીઓ દાખલ થતાં દર્દીઓની સંખ્યા ૧૦૦ નજીક પહોંચવાની તૈયારીમાં છે.

આજે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૦ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લેવામાં આવ્યા હતા, જેમાં છ દર્દીઓને સામાન્ય એનેસ્થેસિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર દર્દીઓને બેશુદ્ધ કરીને સર્જરી કરવામાં આવી હતી જેમાં બે દર્દીઓને આખંના ભાગે ફંગસ ઈન્ફેકશનની અસર વધુ હોવાથી આંખના ઓપરેશન કરવાની જરૂર પડી હતી. બીજી આંખને અસર ન કરે તે માટે આંખને દૂર કરવામાં આવી હતી.

હાલ શહેર-જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા અને સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી હોસ્પિટલના સત્તાધીશોએ સારવાર-સુવિધા અને આગામી દિવસોમાં દર્દીઓની સંખ્યામાં થનાર વધારાને લઈને આગોતરા આયોજનની તૈયારીઓ હાથ ધરી છે. આજે સાંજ સુધીમાં વધુ ચાર નવા દર્દીઓ દાખલ થયા હતા જેમાં ૧૨ દર્દીઓના બાયોપ્સીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી બે દર્દીઓના મોત નીપજ્યાં હતાં જ્યારે ૯ દર્દીઓને રજા આપવામાં આવી હતી.