જૂનાગઢ -

જૂનાગઢ પોલીસ દ્વારા રાત્રિના સમયે બે શખ્સો દ્વારા છરીની અણી એ રૂ. દોઢ લાખની માંગણી કરી, બળજબરી પૂર્વક રૂ. ૫૦ હજાર પડાવી લેનાર શખ્સને ગણતરીના કલાકોમાં છટકું ગોઠવી, પકડી પાડી, રિમાન્ડ દરમિયાન બીજા આરોપીને પણ પકડી પાડી, બંને આરોપીઓની ધરપકડ કરી, રૂ. ૩૫ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો ગત તા. ૪/૧૨/૨૦ ના રાત્રીના નવેક વાગ્યાના સુમારે જૂનાગઢ શહેરના દિપાંજલી સોસાયટી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ ભીખાભાઇ હિરપરા પટેલના ઘરે જઈ, અજાણ્યા બે આરોપીઓ દ્વારા ગુપ્તિ કે મોટા છરા જેવું હથિયાર બતાવી, રૂપિયા દોઢ લાખ ખંડણી માંગી, રૂ. ૫૦ હજાર બળજબરીથી કઢાવી, બાકીના લાખ રૂપિયા સવાર સુધીમાં આપી દેવા ધમકી આપી, જતા રહેતા ફરિયાદી દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલ હતી.

એ દરમિયાન આરોપી દ્વારા ફરિયાદીને એક લાખ રૂપિયાની ઉઘરાણી માટે ફોન આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એસ.ડાંગર, તેમજ નાઈટ રાઉન્ડમાં રહેલ એ ડિવિઝન પોલોસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.યુ.સોલંકી સહિતના સ્ટાફના માણસોની ટીમ દ્વારા નાઈટમાં સરદાર પટેલ ચોક ખાતે રૂપિયા લેવા બોલાવવામાં આવેલ હતો. આરોપી રૂપિયા લેવા બતાવેલ જગ્યાએ આવે એ પહેલા પોલીસ ખાનગી કપડામાં વોચમાં આજુબાજુ ગોઠવાઈ ગયેલ હતી. અને ફરિયાદીને થેલીમાં કાગળની ગડી વાળી, રૂપિયા હોય એ રીતે મોકલતા, આરોપી રવી ઉર્ફે સમીર કનુભાઈ મકવાણા રૂપિયા લેવા આવતા પોલીસે આ શખ્સને રાઉન્ડ અપ કરી લીધો હતો.