જૂનાગઢ-

જૂનાગઢમાં લુખ્ખા તત્વો પોતાનો પગપેસારો કરે તે પહેલાં જ તેને ઝડપી પાડી અને ખંડણીના ગુનાના આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. શહેરના એક નામાંકિત ડૉક્ટરને ફોન પર રૂપિયા 50 લાખ આપવાની ધમકી મળી હતી. ખંડણી માંગનાર શખ્સે ડૉક્ટરને જણાવ્યું હતું કે 'જીવતા રહેવું હોય તો 50 લાખ રૂપિયા આપી દેજે,' જોકે, આ શખ્સ કોઈ પગલું ભરે તે પહેલાં તબીબે ફફિયાદ નોંધાવી હતી. ફરિયાદની જાણ થતા જ રેંજ આઇજી અને જિલ્લા પોલીસ વડાએ ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચને આ કેસમાં તાત્કાલિક તપાસ કરવાની સૂચના આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે હરેશ ઉર્ફે હરીગોર ધીરજલાલ મહેતાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે. બનાવની વિગત એવી છે કે જૂનાગઢના જાણીતા તબીબ અને યુનિક હૉસ્પિટલ નામે હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉ. દિવ્યાંગ ભોરણીયાને મોબાઇલ નંબર પર આરોપી દ્વારા ધમકી આપવામાં આવી હતી. ડૉ.ભોરણીયાને બે જુદા જુદા નંબર પરથી આરોપીએ ધમકી આપી હતી કે 'જીવતા રહેવું હોય તો 50 લાખ રૂપિયા આપી દેજે' આ ધમકી મળ્યા બાદ તેમણે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારારે જૂનાગઢ રેંજના નાયબ પોલીસ અધિક્ષક મનીનદરસિંગ પવાર અને જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી.

આ સૂચના મળતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલી ઇન્સ્પેક્ટર ગોહિલ દ્વારા પો.હે.કો વિ.કે. ચાવડા. તથા પો.કોસાહિમ સમા, દેવશી નંદાણિયા, દિનેશ જગમાલની ટીમ બનાવી અને આરોપીને પકડી પાડવા માટે સૂચના આપી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે જાણવા મળ્યું હતું કે આ ધમકી આપનાર શખ્સ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રૂપાવટી ગામનો રહેવાસી છે. 

પોલીસે રૂપાવટી ગામે જઈને અને તપાસ કરતા ધમકી આપનાર શખ્સ તેના ઘરમાં જ હતો. ધમકી આપનાર હરેશ ઉર્ફે હરીગોર ધીરજલાલ મહેતાને તેના ઘરમાંથી દબોચી લઈને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આમ જૂનાગઢમાં કાયદાનું રાજ છે અને લુખ્ખા તત્વોના દાંત ખાંટા કરવા માટે પોલીસ કટિબદ્ધ છે એવો સ્પષ્ટ સંદેશો પોલીસે આપ્યો છે.