જૂનાગઢ-

ઓક્ટોબર મહિનાની 26મી તારીખે સરકાર દ્વારા નિર્ધારિત કરેલા રૂપિયા 1055ના દરથી મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા પહેલા 21મી ઓક્ટોબરે શરૂ થવાની હતી. પરંતુ કમોસમી વરસાદને કારણે તેને એક અઠવાડિયા સુધી પાછી ઠેલવાની ફરજ રાજ્યના કૃષિ વિભાગને પડી હતી. તે મુજબ હાલ જૂનાગઢ એપીએમસીમાં સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા થઈ રહી છે, જેમાં આ વર્ષે ખેડૂતો ખૂબ જ પાંખી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. ટેકાના ભાવે મગફળીની વહેંચણી કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવતુ હોય છે. તે મુજબ જૂનાગઢ એપીએમસીમાં 5100 આસપાસ ખેડૂતોએ પોતાની મગફળી વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકીના 165 ખેડૂતો તેમની મગફળી વહેંચી ચૂક્યા છે. તેમજ 29 જેટલા ખેડૂતો મગફળી ગુણવત્તાયુક્ત નહીં હોવાને કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યા છે. ત્યારે પાછલા દસ દિવસમાં 5100 પૈકી માત્ર 194 જેટલા ખેડૂતો જ પોતાની મગફળીનું વેચાણ કરવા માટે સરકાર દ્વારા નક્કિ કરવામાં આવેલા ખરીદ વેચાણ કેન્દ્રમાં મગફળી વહેંચવા માટે આવ્યા હતા. જે અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો દર્શાવે છે. ગત વર્ષે ખેડૂતોની ખુબ મોટી સંખ્યા જોવા મળતી હતી, જેની સામે આ વર્ષે ખેડૂત ખુદ મગફળી વહેંચવા માટે આનાકાની કરી રહ્યા છે. સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા ગત 26 ઓક્ટોબરથી શરૂ થઇ છે. 10 દિવસના સમય દરમિયાન ખેડૂતો સરકાર દ્વારા ઉભા કરવા આવેલા મગફળી ખરીદ વેચાણ સેન્ટરમાં આવવાનું ટાળી રહ્યા છે.